ભેંસાણ ખાતે નરેશભાઈ પટેલના 61માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ખોડલધામ સમિતિ અને ખોડલધામ યુવા સમિતિ ભેંસાણના સંયુક્ત ઉપક્રમે રક્તદાનનું સેવાયજ્ઞ
(રેનિશ મહેતા દ્વારા)
ભેંસાણ, તા.13
લેઉવા પટેલ સમાજને એકતા, સંગઠન અને સેવાભાવના એક તાંતણે બાંધનાર ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ભેસાણ તાલુકા લેઉવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ સેવાએ જ સાચી સેવા છે તે ભાવનાને સાકાર કરતા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સમાજના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્તદાન જેવા મહાન કાર્ય દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. વળી વિશેષ જણાવવાનું કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન ભેસાણના થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના હસ્તે કરવામાં આવેલ હતું જે ખૂબ જ નોંધનીય બાબત છે.
આ પ્રસંગે ભેસાણ તાલુકાના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સામાજિક કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ખાસ કરીને ભેસાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રીમતી તળાવિયા મેડમ તેમજ ભેંસાણ સિવિલ હોસ્પિટલ ડો.વેકરીયા ઉપસ્થિત રહી સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું અને આયોજન સાથે જાેડાયેલા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના સભ્યોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આ કેમ્પમાં 125 થી વધારે બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું.રક્તદાન કરનાર તમામ દાતાઓને આયોજકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમની સેવાભાવનાની પ્રશંસા કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખોડલધામ સમિતિ ભેસાણ અને ખોડલધામ યુવા સમિતિ ભેસાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે સમિતિના હોદ્દેદારો, યુવા કાર્યકરો અને સ્વયંસેવકોએ અથાગ મહેનત કરી હતી. ખોડલધામની પ્રેરણાથી સમાજમાં એકતા, સેવા અને સંસ્કારના કાર્યો સતત આગળ વધી રહ્યા છે.
રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા સમાજના યુવાનોમાં પરોપકાર અને માનવતાની ભાવના વધુ મજબૂત બને છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રક્તદાન એ માત્ર દાન નથી પરંતુ કોઈના જીવનને બચાવવાનું પવિત્ર કાર્ય છે. સમાજના દરેક વર્ગે આવા સેવાકીય કાર્યોમાં જાેડાઈ માનવતાના કાર્યને આગળ વધારવું જાેઈએ. ભેંસાણ ખાતે યોજાયેલ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિ, ભેસાણના કન્વીનર દીપકભાઈ સાવલિયા, સહ કન્વીનર અશોકભાઈ ભેસાણીયા તેમજ નિખિલભાઇ હિરપરા અને અન્ય કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


