VGRC 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યુક્રેન, આયર્લેન્ડ અને રશિયા સાથે મહત્વપૂર્ણ બેઠકો, ગુજરાત માટે ખુલશે વૈશ્વિક તકોના નવા દ્વાર

ફાર્માસ્યુટિકલ, કૃષિ, ગ્રીન હાઈડ્રોજન, ટેક્નોલોજી, સ્કીલ ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક રોકાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા ચર્ચા; વૈશ્વિક ભાગીદારી તરફ ગુજરાતનું વધુ એક મજબૂત પગલું.

VGRC 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની યુક્રેન, આયર્લેન્ડ અને રશિયા સાથે મહત્વપૂર્ણ બેઠકો, ગુજરાત માટે ખુલશે વૈશ્વિક તકોના નવા દ્વાર

વડોદરા તા.29
વડોદરામાં યોજાઈ રહેલી VGRCના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ગુજરાતને વૈશ્વિક રોકાણ, ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસના નવા કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાની દિશામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
યુક્રેનના ભારત સ્થિત રાજદૂત ડૉ. ઓલેક્સાન્ડર પોલિશ્ચુક સાથેની બેઠકમાં ફાર્માસ્યુટિકલ, કૃષિ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન જેવા ભવિષ્યના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ ગુજરાતને વિશ્વસનીય ભાગીદાર તરીકે રજૂ કરતાં યુક્રેનિયન ઉદ્યોગોને રાજ્યમાં રોકાણ અને સહયોગ માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે VGRCમાં યુક્રેનના સતત સહભાગ બદલ આભાર વ્યક્ત કરતાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ત્યારબાદ આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે યોજાયેલી બેઠકમાં ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે વેપાર, રોકાણ તેમજ સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ ભારત–યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારથી ઉભી થતી નવી તકોનો લાભ લેવા આયર્લેન્ડના રોકાણકારોને ગુજરાતમાં આવવા આમંત્રણ આપ્યું. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સહભાગી થવા અને રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લેવા પણ આમંત્રણ આપવામાં આવ્યું.
રશિયન ફેડરેશનના વેપાર પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં પરિવહન, સ્માર્ટ સિટી વિકાસ, પેમેન્ટ સિસ્ટમ, MSME ક્ષેત્ર તેમજ ભારતીય ચલણ આધારિત નાણાકીય વ્યવહારો જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઉપરાંત કેમિકલ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રની રશિયન કંપનીઓ સાથે ઔદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનાવવાના માર્ગો પર પણ વિચાર-વિમર્શ થયો.
આ તમામ બેઠકો દ્વારા ગુજરાતે ફરી એકવાર વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વસનીય અને વિકાસલક્ષી ભાગીદાર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. વિવિધ દેશો સાથે વધતા આર્થિક અને ઔદ્યોગિક સંબંધો રાજ્યના વિકાસને નવી ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી

યુક્રેનના ભારત સ્થિત ,રાજદૂત ડો. ઓલેક્સાન્ડર પોલિશ્ચુક

રશિયન ફેડરેશનના વેપાર પ્રતિનિધિત્વમાં સરકારી સંબંધો અને નાણાકીય ક્ષેત્રના વડા શ્રીમતી ઝ્લાટા અંતુશેવા