માંગરોળના કરાળ પા વિસ્તારમાં દૂધતલાવડીમા લાગી વિકરાળ આગ
ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવવામા આવી
માંગરોળ તા. 29
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરાળ પા વિસ્તારમાં આવેલ દૂધ તલાવડીમાં વિકરાળ આગ લાગી હતી. આગનાં લપેટાઓ એટલા ઉંચા હતા કે આજુબાજુના નળીયેરીના બગીચાઓમાં આગ લાગવાની દહેશત ઉભી થઈ હતી. અત્રે ઉપસ્થિત સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા બે મોટા ફાયર બ્રિગેડના વાહનો આવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ જતી રહ્યા પછી પણ તળાવના કેટલાક ભાગમાં આગ ચાલુ હતી.
આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે કુદરતી રીતે પાણીના સંગ્રહ માટે વર્ષો જૂના આ તળાવમાં આખરે આ કચરો નાખે છે કોણ..? દૂર દૂર થી મોટી માત્રામાં નાળિયેરીના થડો અને પાંદડાઓના ટ્રેક્ટરો ભરી ભરીને આ તળાવમાં નાખીને તળાવને બરબાદ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર આવા તળાવોને ઉંડા કરીને પાણીનો વધારે સંગ્રહ થાય તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી છે. જ્યારે કેટલાક તત્વો આવા તળાવોમાં નળીયેરીના નકામા થડો નાખીને બરબાદ કરી રહ્યા છે. જે એક રીતે આજુબાજુના બગીચાઓ માટે પણ ખતરારૂપ બની રહ્યા છે. ત્યારે બેફામ રીતે ચાલતા આવા ટ્રેક્ટરો અને કચરો નાખનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


