સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 4 કલાકમાં બે ઈંચ ખાબક્યો

સુરત શહેર-જીલ્લા ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં માંગરોળ, કામરેજ, તલસાણા, વાલોદ, ઉમરગામમાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 4 કલાકમાં બે ઈંચ ખાબક્યો

સુરત તા.30 :
સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત્રીથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.60 ઈંચ જ્યારે જિલ્લામાં 1 થી 2 ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં કડોદરા જેવા નિચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી 10 હજારથી વધુ સ્થાનિક રહીશો, નોકરિયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત શહેરની સાથોસાથ સુરત ગ્રામ્ય અને જિલ્લાના વિસ્તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.