મેલબોર્નમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધોનો સુવર્ણયુગ : બંને દેશોના મજબુત સંબંધો વિશ્વ માટે સંકટમોચક બનશે : મોદી
(એજન્સી) મેલબોર્ન, તા.૯:
વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોમાં અત્યારે ભારે ઉથલપાથલ મચેલી છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો એક નવા અને અત્યંત મહત્વકાંક્ષી વળાંક પર આવી પહોંચ્યા છે. ઇન્ડોનેશિયાની હાઇ-પ્રોફાઇલ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત અને ગરિમાપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે મેલબોર્નની ધરતી પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓથી ખિચોખિચ ભરાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું હતું. આ મંચ પરથી વૈશ્વિક પરિસ્થિતિનો ચિતાર આપતા વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્તમાન સમય અનિશ્ચિતતા, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટા વિક્ષેપો અને ભયંકર ઉર્જા કટોકટીનો છે. આવા કપરા અને પડકારજનક વાતાવરણમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક કુદરતી અને સંપૂર્ણ વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આવવું એ માત્ર બંને દેશોની જરૂરિયાત નથી, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતા માટે અનિવાર્ય છે. વર્ષ ૨૦૨૨માં રેકોર્ડ ગતિએ હસ્તાક્ષર કરાયેલા આર્થિક સહકાર અને વેપાર કરાર એ આપણા દ્વિપક્ષીય સંબંધોને અદભુત મજબૂતી આપી છે અને તેના અમલીકરણ બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ સીધી બમણી થઈ ગઈ છે, જે બંને દેશોના બજારો માટે સુવર્ણકાળ સમાન છે.


