રોકાણકારોને ફસાવીને કરોડો રૂપિયા ખંખેરી લેવાના પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડનો સેબી દ્વારા પર્દાફાશ
(એજન્સી) મુંબઈ,તા.25:
શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાના સપના જોતા નાના અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે બજારની નિયમનકાર સંસ્થા સેબી (SEBI) દ્વારા એક અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સેબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ટેલિગ્રામ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ઓપરેટ થતા એક બહુ મોટા અને સંગઠિત ‘પમ્પ એન્ડ ડમ્પ’ (Pump and Dump) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ માયાવી કૌભાંડમાં કથિત માર્કેટ ઓપરેટરો અને નકલી નાણાકીય સલાહકારોએ મળીને બજારમાં લિસ્ટેડ અંદાજે 82 જેટલા શેરોના ભાવ સાથે ભારે છેડછાડ કરી હોવાનું સેબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


