૧૩ જીલ્લામાં વરસાદનું રેડ એલર્ટ : તંત્ર હાઈએલર્ટ : સૈન્ય સ્ટેન્ડબાય

નવસારીમાં વીજ કરંટ લાગતા ત્રણ મજુરોના કરૂણ મોત : ખેડા જીલ્લાના વસો અને નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર, સાગબારામાં બે કલાકમાં દે...ધનાધન પાંચ ઈંચ વરસાદ  સુરતમાં ફરી એકવાર પુરનું સંકટ ઘેરાયું : ખાડીઓનું જળસ્તર ભયજનક સ્તરે પહોંચ્યું : રાજયમાં તા.ર ઓગષ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી

૧૩ જીલ્લામાં વરસાદનું રેડ એલર્ટ : તંત્ર હાઈએલર્ટ : સૈન્ય સ્ટેન્ડબાય

અમદાવાદ/નવસારી તા.૩૧
આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના ‘રેડ એલર્ટ’ વચ્ચે વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થયો છે. સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ૮૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ૮થી ૧૦ કલાકની વચ્ચે બે કલાકમાં સૌથી વધુ ખેડાના વસોમાં ૫ાંચ ઈંચ તેમજ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર અને સાગબારામાં પણ પાંચ ઈંચ વરસાદ  ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સુરત, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. સુરતમાં ખાડીપૂરનું સંકટ મંડરાતા તંત્ર એલર્ટમોડ પર છે.
આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ‘વેધર વૉચ ગ્રુપ‘ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ૨ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત ૧૩ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત ૭ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં ત્રણ મજુરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
રાજ્યભરમાં વહેલી સવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વસોમાં માત્ર બે કલાકમાં ૫ાંચ ઇંચ, બાલાસિનોરમાં ૨ કલાકમાં  ૩ ઇંચ અને નડિયાદમાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં માર્ગો પર નદીઓ જેવા પ્રવાહ વહેતા થયા છે. વડોદરા, ભરૂચ, ખેડા અને છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેના લીધે રાજવાસણાનો રબર ડેમ ગરકાવ થયો છે.
સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ ઘેરાયું છે. કતારગામ, સૂર્યપુર ગરનાળા અને પોદાર આર્કેડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કતારગામમાં ખુલ્લી ગટર અને જીસ્ઝ્ર કર્મચારીઓની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.
આજે ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદને કારણે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.