અજય દેવગણની નવી હોરર-થ્રિલરનું શૂટિંગ શરૂ, ફિલ્મનું નામ હજુ જાહેર નહીં

દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના બેનર હેઠળ બનશે ફિલ્મ; ‘સરદાર જી’ ફેમ રોહિત જુગરાજ સંભાળશે દિગ્દર્શન

અજય દેવગણની નવી હોરર-થ્રિલરનું શૂટિંગ શરૂ, ફિલ્મનું નામ હજુ જાહેર નહીં

મુંબઈ, તા.૩
અજય દેવગણે પોતાની આગામી હોરર-થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મની ટીમ સાથેની તસવીર શેર કરીને નવા પ્રોજેક્ટની શરૂઆત અંગે જાણકારી આપી હતી. જોકે, આ હોરર ફિલ્મનું સત્તાવાર નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
અજય દેવગણે પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, “ડર કા માહૌલ... હોને વાલા હૈ.” સાથે જ તેણે પોતાની હોરર-થ્રિલરનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાની માહિતી આપી હતી. આ જાહેરાત બાદ અજયના આગામી હોરર પ્રોજેક્ટને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી છે.
ફિલ્મ દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના નેજા હેઠળ તૈયાર થઈ રહી છે. અજય દેવગણની સાથે કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક આ પ્રોજેક્ટ સાથે નિર્માતા તરીકે જોડાયેલા હોવાનું જણાવાયું છે.
આ અનટાઇટલ્ડ હોરર-થ્રિલરના દિગ્દર્શનની જવાબદારી રોહિત જુગરાજને સોંપવામાં આવી છે. રોહિત પંજાબી ફિલ્મ ફ્રેન્ચાઇઝ ‘સરદાર જી’ માટે જાણીતા છે. આ ઉપરાંત તેઓ ઓટીટી સિરીઝ ‘યે કાલી કાલી આંખેં’ના દિગ્દર્શન સાથે પણ જોડાયેલા રહ્યા છે અને ‘ચમક’ જેવા પ્રોજેક્ટ પર પણ કામ કરી ચૂક્યા છે.
હાલ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ તેની કહાની, અન્ય સ્ટારકાસ્ટ અને રિલીઝ તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવી નથી. આગામી સમયમાં મેકર્સ તરફથી ફિલ્મના ટાઇટલ અને કાસ્ટ અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.