ઓગષ્ટમાં મોંઘવારીનો ડામ આવશે ચા, વાહનો, ટીવી, કાર, કપડા મોંઘા થશે
નવી દિલ્હી, તા.28
દેશમાં ઓગસ્ટ મહિનાથી દૈનિક વપરાશની ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે મોટો ભાવવધારો થવા જઈ રહ્યો છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલાં તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે કાચા માલના ભાવ વધ્યાં છે. આ ઉપરાંત દરિયાઈ માલવાહક ભાડાં (ફ્રેટ રેટ)માં થયેલો વધારો અને રૂપિયાનાં મૂલ્યમાં થઈ રહેલી વધ-ઘટને કારણે ઉત્પાદન ખર્ચ વધી જતાં કંપનીઓએ ભાવવધારો કરવાનો ર્નિણય લીધો છે.
ચાલું વર્ષે મોટાભાગની કેટેગરીમાં આ ત્રીજો ભાવવધારો હશે. આગામી મહિનાથી પેક્ડ ચા, હેર ઓઈલ, રેફ્રિજરેટર, ટેલિવિઝન, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર વાહનોની કિંમતોમાં 6 થી 8 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. જોકે, કંપનીઓ આશા રાખી રહી છે કે તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ આ ભાવવધારો પૂરો કરી લેવામાં આવે, જેથી ઓગસ્ટમાં ઓણમથી શરૂ થઈને નવરાત્રિ અને દિવાળી સુધી ચાલનારી તહેવારોની ખરીદી પર તેની બહુ મોટી અસર ન પડે.
ઇલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસ ક્ષેત્રે ઓગસ્ટથી 4 થી 6 ટકાનો વધારો નક્કી મનાય છે. આ વર્ષે રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પહેલાથી જ 10 ટકાથી વધુ મોંઘા થયાં છે, જ્યારે ટીવીના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે.


