ખંભાળિયામાં ટ્રેક્ટર ચાલકની પ્રમાણિકતા રોકડ સહિતનું પર્સ ટ્રાફિક પોલીસને સોંપ્યું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. 28
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા સ્થાપના જવાનો ફરજ પર હતા. તે દરમિયાન ખંભાળિયાના રહીશ નજીરભાઈ આદમભાઈ ઘાવડા નામના એક ટ્રેક્ટર ચાલકને એક પાકીટ મળ્યું હોવાથી તેમણે ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પાકીટમાં રૂપિયા 7500 ની રોકડ રકમ તેમજ અગત્યના કાગળો હતા. પરંતુ તેમાં કોઈનો સંપર્ક નંબર ન હોય, જેથી ફરજ પરના ટ્રાફિક પોલીસ દ્વારા ટેકનિકલ રીતે આ પાકીટના મૂળ માલિકનો સંપર્ક નંબર મેળવ્યો હતો. આ પાકીટ જેનું ગુમ થયું હતું તે આસામી માલદેભાઈ મુરૂભાઈ ઓડિચ (રહે. મોવાણ)ને બોલાવી પાકીટ ના માલિકી અંગેની ખરાઈ કરીને તેઓને પાકીટ સોંપવામાં આવ્યું હતું. જેથી તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે પોલીસે જેને પાકીટ મળ્યું હતું તે નજીરભાઈ ઘાવડાની પ્રામાણિકતાની પ્રશંસા કરી હતી.


