ઇન્દોરમાં બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠિ અને શિક્ષક સન્માન સમારંભ યોજાયો

જૂનાગઢ જિલ્લાના શોભાવડલા ( લશ્કર ) પ્રાથમિક શાળાના શિક્ષિકા "ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક" પુરસ્કારથી સન્માનિત

ઇન્દોરમાં બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠિ અને શિક્ષક સન્માન સમારંભ યોજાયો

જૂનાગઢ તા. 28
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલા અહલ્યા પરિસરમાં મહારાષ્ટ્રના વર્ધા સ્થાપિત બાળરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠિ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દેશના 18 રાજ્યોના 120 જેટલા નવાચારી શિક્ષકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની શોભાવડલા (લશ્કર) પ્રાથમિક શાળાના શિક્ષિકા નીરૂબેન કનુભાઈ મહિડાને શિક્ષણ, સાહિત્ય, કલા, પર્યાવરણ સરક્ષણ, શિક્ષણમાં નાવીન્ય અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપવા બદલ "ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર - 2026 " થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વરિષ્ઠ સાહિત્યકાર અને ભૂતપૂર્વ આચાર્ય ડૉ. યોગેન્દ્રનાથ શુક્લ હતા. તેમજ શિક્ષણ, સાહિત્ય, કાયદો અને વહીવટી ક્ષેત્રના અનેક અગ્રણી વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે નવી શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા તેમજ સાંજે ભારતના વિવિધ રાજ્યમાંથી પધારેલા શિક્ષકો દ્વારા પોતાના રાજ્યની ઝાંખી કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. બીજા દિવસે કાવ્યગોષ્ઠિ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષિકા બહેનને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી સન્માનિત કરાતા ગુજરાત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ જગત ગૌરવની લાગણી અનુભવે છે. બગસરા તાલુકાના જુના વાઘણિયા ગામના વતની નીરૂબેન મહિડા થોડા સમયથી સોશિયલ મીડિયામાં "શાળા દર્પણ Learning with wisdom" નામથી ફેસબુક પેજ અને youtube ચેનલ ચલાવે છે. જેમાં તેઓ શાળા કક્ષાએ કરતાં નવીનત્તમ પ્રવૃતિઓ મૂકે છે. જેનાથી તેમના કાર્ય વિશે ગુજરાત અને દુનિયાના ફલક પર પણ પ્રશંસા પ્રાપ્ત થાય છે.