ગુજરાતમાં હિટ એન્ડ રનથી એક જ વર્ષમાં 1090ના મોત

ગુજરાતમાં હિટ એન્ડ રનથી એક જ વર્ષમાં 1090ના મોત

ગાંધીનગર તા.22: 
ગુજરાતમાં બેદરકારીભર્યા ડ્રાઇવિગના કારણે નિર્દોષ નાગરિકો રસ્તા પર જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અહેવાલમાં રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો એક ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, વાહનચાલકોની ઘોર બેદરકારીને લીધે હિટ એન્ડ રનના કિસ્સા વધ્યા છે. વર્ષ 2024માં જ હિટ એન્ડ રનમાં 1090 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં થતા કુલ રોડ અકસ્માતોમાં 14 ટકા માત્ર હિટ એન્ડ રનની ઘટનાઓ છે. આ પ્રકારના અકસ્માતોમાં વાહનચાલક અકસ્માત સર્જીને પીડિતને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ભાગી છૂટે છે, જેના કારણે ઘાયલોને સમયસર સારવાર મળતી નથી. અહેવાલ મુજબ, વર્ષ 2024માં હીટ એન્ડ રનના કુલ 1902 ઘટના બની હતી જેમાં 1090 લોકોના મૃત્યુ થયા હતા. 883ને ગંભીર ઇજા જ્યારે 343ને નાની મોટી ઇજા થઇ હતી.