પોરબંદર જિલ્લામાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે એલસીબીનો સપાટો : બે માથાભારે ઈસમો પાસાનાં પાંજરે પુરાયા
પોલીસ વડાની કડક સૂચના બાદ કાર્યવાહી : બે આરોપીઓ અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.24
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરતા તેમજ ગુનાહિત માનસિકતા ધરાવતા માથાભારે ઈસમો સામે પોરબંદર પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સ્પષ્ટ સૂચનાના આધારે, પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે PASA (પાસા) હેઠળ બે આરોપીઓની અટકાયત કરી તેઓને અમદાવાદ અને સુરત જેલ હવાલે કર્યા છે. રૂા.2.57 લાખના વિદેશી દારૂના કેસમાં દેસુર કોડીયાતર અમદાવાદ જેલ ભેગો બગવદર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની 234 બોટલો (કિંમત રૂા.2,57,400/-) ની હેરફેર કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી દેસુર દેવાભાઇ કોડીયાતર (ઉ.વ.27, રહે. વિઝરાણા, તા.જી. પોરબંદર) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ઇન્ચાર્જ DySP ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ PI વા.જી. માથુકીયા દ્વારા મોકલવામાં આવેલ દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર રાખી પાસા વોરંટ ઈસ્યુ કરાતા, એલ સી બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાની ટીમે આરોપીની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. જયારે અનેક ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે પરબત મોઢવાડીયા સુરત જેલ હવાલે મિયાણી-મરીન અને બગવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023(BNS)ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પરબતભાઇ રામભાઇ મોઢવાડીયા (ઉ.વ.27, રહે. કાંટેલા ગામ, શ્રીનગર ચોકડી પાસે, પોરબંદર) વિરૂદ્ધ પણ પાસા દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ મંજૂર કરાતા LCB ટીમે આરોપીને PASA વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપ્યો છે.


