‘બિગ બોસ’ના ઘરમાં માહી વિજની લવ લાઈફ અંગે ચર્ચા: કાઝીના સવાલ પર અભિનેત્રીના મજેદાર જવાબે જગાવી નવા પ્રેમની અટકળો
દરેક વ્યક્તિ મારો સંપર્ક ન કરી શકે તેવો માહીનો રમૂજી ખુલાસો; ઉદિતિ સિંહે ‘કોઈ ખાસ વ્યક્તિ શો જોતી હશે’ કહીને છેડતાં માહોલ રોમાંચક બન્યો
મુંબઈ, તા.૨૩
લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’માં હાલના દિવસોમાં સ્પર્ધકો વચ્ચેની મજાક-મસ્તી અને અંગત ખુલાસાઓ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. શોના ઘરમાં કન્ટેસ્ટન્ટ્સ એકબીજાની અંગત જિંદગી સાથે જોડાયેલી વાતો શેર કરતા જોવા મળે છે. તાજેતરના એક એપિસોડમાં કાઝી તૌકીરે માહી વિજને તેની લવ લાઈફ અંગે કેટલાક રસપ્રદ સવાલો પૂછ્યા હતા, જેના પર માહીએ આપેલા રમૂજી અને ભેદી જવાબોથી તે નવા પ્રેમની શોધમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
‘બિગ બોસ’ના ઘરમાં માહી વિજનો બિન્દાસ અને નિખાલસ અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શો દરમિયાન તે પોતાની અંગત જિંદગી અંગે પણ ખુલીને વાત કરતી જોવા મળે છે. અગાઉ તેણે એક ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેનો એક્સ-પાર્ટનર આજે પણ ડ્રિંક કરીને તેને ફોન કરે છે અને કહે છે કે તે ખૂબ જ સારી વ્યક્તિ છે અને તેના જેવી બીજી કોઈ મળી શકે નહીં. હવે અભિનેત્રીએ શોમાં કરેલી નવી વાતચીતથી દર્શકોને સંકેત મળ્યો છે કે તે જીવનમાં આગળ વધવા તૈયાર છે.
શોના તાજેતરના એક એપિસોડમાં માહી વિજ, કાઝી તૌકીર અને ઉદિતિ સિંહ સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન કાઝીએ મજાકિયા અંદાજમાં માહીને પૂછ્યું હતું કે, “શું કોઈ તને પ્રપોઝ કરી શકે છે? એટલે કે શું કોઈ તારી પાસેથી પ્રેમની અપેક્ષા રાખી શકે?” આ સાંભળતાં જ માહીએ તરત જ મજેદાર જવાબ આપ્યો કે, “દરેક વ્યક્તિ મારો સંપર્ક નથી કરી શકતી અને હું બધા માટે ઉપલબ્ધ નથી.”
માહીનો આવો જવાબ સાંભળીને કાઝીએ હસતાં-હસતાં તેને આ વિષય પર થોડું ખુલીને બોલવા કહ્યું હતું. ત્યારબાદ કાઝીએ ટિપ્પણી કરી હતી કે એવું લાગે છે કે માહીએ પોતાના માટે પહેલેથી જ કોઈ ખાસ વ્યક્તિને પસંદ કરી લીધી છે, જે તેને પ્રપોઝ કરી શકે. જોકે, માહીએ આ વાત પર ન તો કોઈ સ્વીકાર કર્યો કે ન તો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
આ દરમિયાન ચર્ચામાં ઝંપલાવતાં ઉદિતિ સિંહે પણ મસ્તીભર્યા અંદાજમાં ઉમેર્યું કે, બની શકે કે બહાર કોઈ ખાસ વ્યક્તિ માહી માટે આ શો જોઈ રહી હોય! ઉદિતિની આ ટિપ્પણી બાદ શોમાં હાજર તમામ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી હતી. જોકે, માહીએ પોતાની પર્સનલ લાઈફ અંગે આનાથી વધુ કોઈ ખુલાસો કર્યો નહોતો, પરંતુ તેની આ હળવી વાતચીત બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પોતાની લાઈફમાં નવા પ્રેમનું સ્વાગત કરવા તૈયાર છે.


