ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં સાઈખા જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ : પાંચ કામદારોના કરૂણ મોત : પાંચ ગંભીર

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં સાઈખા જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ : પાંચ કામદારોના કરૂણ મોત : પાંચ ગંભીર

(બ્યુરો)                ભરૂચ તા.૧૭
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ગત રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૫ાંચ કામદારો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અચાનક થયેલા આ વિસ્ફોટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે ૧૦:૩૦થી ૧૧ વાગ્યાની વચ્ચે કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ આશરે ૧૫ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે કંપનીથી આશરે ૨૦૦ મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું અને આસપાસની કંપનીઓનાં સ્ટ્રક્ચર પણ હલી ઊઠયાં હતાં. પ્લાન્ટમાં મશીનરીના વિવિધ ભાગો વેરવિખેર થઈ ગયા હતા.