શાકભાજીના ભાવ બમણા : ગૃહિણીઓના બજેટ ખોરવાયા : રીંગણાનો ભાવ ૧ કિલોના રૂા.૧પ૦

શાકભાજીના ભાવ બમણા : ગૃહિણીઓના બજેટ ખોરવાયા : રીંગણાનો ભાવ ૧ કિલોના રૂા.૧પ૦

(બ્યુરો)           ભાવનગર તા.૨૫
શિયાળાની શરૂઆત થતાની સાથે જ સ્વાદરસિકો ઓળો-રોટલો, લીલા લસણ-ડુંગલીનું શાક સહિતના સ્વાદિષ્ટ ભોજનની મોજ માણવા અધીરા બનતા હોય છે. આ વર્ષે શિયાળની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને પગલે શાકભાજીની માગમાં વધારો થતા ઓળાના રીંગણા, ટામેટા, કોથમરી સહિતના શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. દિવાળા બાદથી ધીરે-ધીરે વધતો શાકભાજીના ભાવ છેલ્લા ૨૦ દિવસમાં બમણો થઈ ગયો છે. શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો ચોક્કસ થશે, પરંતુ ઘટાડો થવાની શક્યતા નહિવત્ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
આ અંગે ભાવનગરના વેપારી અબ્બાસભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી શાકભાજીનો વેપાર છું. કમોસમી વરસાદના લીધે અને ખાસ લગ્નની સીઝન હોવાથી શિયાળાની સીઝનમાં જ ઓળાના રીંગણા, નાના રીંગણા આ બધી શાકભાજીમાં ખૂબ જ ભાવ વધારો થયો છે. કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા ઘણી શાકભાજી બળી ગઈ છે. તો કેટલીક શાકભાજીને પાણીના કારણે નુકસાન પહોંચ્યું હોવાથી ઉતારી મોડો આવી રહ્યો છે. જેથી માગની સરખામણીએ આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો છે. ઓળાના રીંગણા ૮૦થી ૧૦૦ રૂપિયા કિલોના નાના રીંગણા ૧૫૦ રૂપિયા કિલોના ભાવ છે.