મેંદરડાના નાગલપુર ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર તાલુકા પંચાયતના સભ્ય વિરૂધ્ધ ફરીયાદ : ધરપકડ 

મેંદરડાના નાગલપુર ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર તાલુકા પંચાયતના સભ્ય વિરૂધ્ધ ફરીયાદ : ધરપકડ 

જૂનાગઢ તા.૯
મેંદરડાના નાગલપુર ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર તાલુકા પંચાયતના સભ્ય વિરૂધ્ધ ફરીયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડા પોલીસ મથકે પીડીતાની માતાએ સુભાષ કાળુભાઈ ભાદરકા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સુભાષ ભાદરકા સગીરા સાથે અવારનવાર ફોન અને મેસેજ મારફતે વાતચીત કરતો હતો. આજથી આશરે ચારેક માસ પહેલાં જ્યારે સગીરાના પિતા ઘરે હાજર ન હતા, ત્યારે રાત્રિના સમયે આરોપી તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરૂધ્ધ તેની સાથે બે થી ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ આ બાબતે કોઈને પણ જાણ ન કરવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેંદરડા પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી સુભાષ ભાદરકાને ઝડપી પાડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વ્યક્તિ દ્વારા જ સગીર વયની બાળકી સાથે આ પ્રકારે આચરવામાં આવેલા કુકર્મ અને ધમકીના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. મેંદરડા પોલીસે આરોપી સુભાષ ભાદરકા વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મ, બળાત્કાર અને ધમકી સંબંધિત કલમો તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.