વેરાવળના 17 વર્ષના યુવાને બનાવ્યું અદભૂત ડ્રોન : રિમોટ વગર જાતે ઉડીને આફત સમયે દવા અને મદદ પહોંચાડી શકશે
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.25
વેરાવળના 17 વર્ષીય યુવાન પાર્શ્વ શાહે ટેકનોલોજીની દુનિયામાં મોટું નામ કર્યું છે. પાર્શ્વએ એક એવું સ્પેશિયલ ડ્રોન (Autonomous Disaster Response Drone) બનાવ્યું છે જે કુદરતી આફત કે વાવાઝોડા જેવા મુશ્કેલ સ્થિતિના સમયે કોઈપણ વ્યક્તિની મદદ વગર જાતે ઉડીને લોકોના જીવ બચાવી શકશે તેવી વિશેષતા ધરાવે છે.
આ ડ્રોન કેમ ખાસ છે ? તે અંગે પાર્શ્વએ જણાવેલ કે, વાવાઝોડા સમયે પણ ટકી શકે છે. આ ડ્રોન ભારે પવન અને તોફાનમાં પણ હવામાં એકદમ સ્થિર રહી શકે છે. જેથી દવા અને ખોરાકની મદદ પહોંચાડી શકાય છે. ડ્રોનમાં ખાસ એવી વ્યવસ્થા છે કે તે મેડિકલ કિટ અને ખાદ્ય પદાર્થોની વસ્તુઓ સુરક્ષિત રીતે પહોંચાડી શકે છે. આ ડ્રોન 100% ઓટોમેટિક છે. આ ડ્રોનને ઉડાડવા માટે કોઈ રિમોટ કે માણસની જરૂર પડતી નથી. કારણ કે, ડ્રોન બનાવવવામાં ખાસ અલ્ગોરિધમ અને ડેશબોર્ડની મદદથી તે જાતે જ બધું કામ કરે છે.
આર્મી ઓફિસર અને NCC સામે ડેમો
17 જુલાઈના રોજ પાર્શ્વએ આ ડ્રોનનું લાઈવ પ્રદર્શન મારવાડી યુનિવર્સિટીના NCC આર્મી વિંગના કેડેટ્સ અને એક આર્મી ઓફિસર સામે કર્યું હતું. આ નાની ઉંમરે આવી ટેકનોલોજી જાેઈને સેનાના અધિકારીએ પણ પાર્શ્વના ખૂબ વખાણ કર્યા હતા.
રોબોટિક્સ ક્લબમાં મહત્વનું સ્થાન
પાર્શ્વની ટેલેન્ટને કારણે તેને મારવાડી યુનિવર્સિટીની ‘રોબોટિક્સ ક્લબ‘ની ફાઉન્ડિંગ કમિટી (Founding Committee)માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તે નવા સંશોધનો પર કામ કરી રહ્યો છે.
માતા-પિતાનો સહયોગ : પાર્શ્વ જણાવે છે કે, "મારું સપનું ભારતની હેલ્થકેર સિસ્ટમને મદદ કરવાનું છે. આ મુસાફરીમાં મારા માતા-પિતાનો પૂરો સહયોગ અને આશીર્વાદ રહ્યા છે. તેમના સપોર્ટ વગર 17 વર્ષની ઉંમરે આ પ્રોજેક્ટ પૂરો કરવો શક્ય નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્શ્વને આ કામ માટે 15 સપ્ટેમ્બર 2026 (એન્જિનિયર્સ ડે) ના રોજ યુનિવર્સિટી તરફથી એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આ ડ્રોન પૂર કે ભૂકંપ જેવી આફતોમાં હજારો લોકોના જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


