વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ સર્જાયો
પાલીકાની જુદી જુદી કમીટીની રચનામાં ભાજપના આંતરિક મતભેદ પણ સપાટી પર આવ્યા નગરપાલિકાની નવી ટર્મના પ્રારંભનો શાસનકાળ વિવાદોમાં સપડાતા અનેક તર્કવિર્તકો
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.25
વેરાવળ પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાયેલુ પ્રથમ જનરલ બોર્ડમાં રાજકીય ઘર્ષણ, પ્રક્રિયાગત વિવાદો અને ભાજપના આંતરિક અસંતોષના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. સામાન્ય રીતે નવી ટર્મના પ્રથમ બોર્ડને વિકાસલક્ષી દિશા નક્કી કરતું અને સર્વસંમતિનું મંચ માનવામાં આવે છે પરંતુ વેરાવળ-પાટણ પાલિકાના પ્રથમ જ જનરલ બોર્ડમાં સત્તાધારી અને વિપક્ષ વચ્ચે તીખા વાક્યુદ્ધ સાથે અનેક વિવાદો સપાટી પર આવ્યા હતા.
બોર્ડની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસના નગરસેવકો શહેરના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસીયાઓ અંગે પોતાની રજૂઆત કરી રહ્યા હતા તે સમયે અચાનક ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા રાષ્ટ્રગીત શરૂ કરાવી દેતા સભાખંડમાં અણધારી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાને કોંગ્રેસના સભ્યોએ ગંભીર ગણાવી આક્ષેપ કર્યો હતો કે તેમની રજૂઆત અને વિરોધના અવાજને દબાવવા માટે રાષ્ટ્રગીતનો આશરો લેવામાં આવ્યો હતો. વિપક્ષના સભ્યો આ મુદ્દે ઉગ્ર બની જતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું.
જાે કે, વિપક્ષના આક્ષેપો બાદ પ્રમુખ નરેશ ગોહેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પોતાનું આ પ્રથમ જનરલ બોર્ડ હોવાથી સમગ્ર પ્રક્રિયા અંગે તેમને જાણ નહોતી અને બાબત તેમના ધ્યાનમાં નહોતી. જાે કે કોંગ્રેસે આ સ્પષ્ટતાને નકારી કાઢી સત્તાધારી પક્ષની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બોર્ડમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો ગત બેઠકના કાર્યવૃત્તાંતને બહાલી આપવાનો રહ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ દલીલ કરી હતી કે ગત બેઠકનો અહેવાલ તેમને અગાઉથી આપવામાં આવ્યો ન હતો અને જરૂરી દસ્તાવેજાે વિના બહાલી આપવી લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. વિપક્ષના વિરોધ છતાં ભાજપના 24 સભ્યોની બહુમતીના આધારે ગત બેઠકના અહેવાલને મંજૂરી આપી દેવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બહુમતીના જાેરે ર્નિણયો લાદવાની વૃત્તિ લોકશાહી મૂલ્યો માટે ચિંતાજનક છે.
આ દરમ્યાન કારોબારી સમિતિ સહિત કુલ 23 વિવિધ સમિતિઓ અને તેમના ચેરમેનોની જાહેરાત કરવામાં આવેલ પરંતુ સમિતિઓની રચના જાહેર થતાં જ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો હતો. પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કરાયેલા ભાજપના નગરસેવિકા દીપિકાબેન કોટિયાએ જનરલ બોર્ડની બેઠક દરમ્યાન જ કમીટીના ચેરમેનનું પદ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સત્તાધારી પક્ષના સભ્ય દ્વારા જાહેર મંચ પર જ સમિતિના અધ્યક્ષપદનો અસ્વીકાર કરાતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. રાજકીય નિરીક્ષકોના મતે કોઈપણ પક્ષમાં હોદ્દાની ફાળવણી દરમ્યાન અસંતોષ હોવો અસામાન્ય બાબત નથી પરંતુ પ્રથમ જ બોર્ડમાં જાહેર રીતે અસહમતી વ્યક્ત થવી ભાજપની આંતરિક ગોઠવણ અંગે પ્રશ્નો ઊભા કરે છે. સમિતિઓની રચના પાછળ થયેલી ખેંચતાણ હવે આગામી દિવસોમાં વધુ ખુલ્લી પડી શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.
જાે કે બેઠકમાં પ્રમુખપક્ષ તરફથી રજૂ કરાયેલા 11 એજન્ડા પૈકી મોટાભાગના એજન્ડાઓ કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, તેમ છતાં રાષ્ટ્રગીત મુદ્દે સર્જાયેલો વિવાદ, ગત બેઠકના અહેવાલ અંગેનો વિરોધ અને સમિતિ રચનામાં ભાજપના સભ્ય દ્વારા જાહેર કરાયેલ અસ્વીકાર સમગ્ર બોર્ડની કાર્યવાહી પર હાવી રહ્યા હતા. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની નવી ટર્મના પ્રથમ જનરલ બોર્ડમાં જ ઊભા થયેલા આ વિવાદો આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણને વધુ ગરમાવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. વિકાસના મુદ્દાઓ કરતાં રાજકીય ટકરાવ અને આંતરિક અસંતોષ વધુ ચર્ચામાં રહેતા નગરપાલિકાની નવી ટીમ સામે શરૂઆતથી જ વિશ્વાસ અને સંકલન જાળવવાનો પડકાર ઊભો થયો છે.


