વહેલા ચોમાસાની આગાહી ખોટી પડી, હવે 3 - 4 જૂને આગમન થવાના સંકેતો

વહેલા ચોમાસાની આગાહી ખોટી પડી, હવે 3 - 4 જૂને આગમન થવાના સંકેતો

(બ્યુરો) નવી દિલ્હી, તા.29
ભારતમાં નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી નિર્ધારિત સમય કરતા ચાર-પાંચ દિવસ વ્હેલી થવાની આગાહી સાચી પડી નથી. આંદામાન-નિકોબાર તથા શ્રીલંકા સુધી વ્હેલુ પહોંચી ગયા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઇ છે. બંગાળની ખાડીમાં સક્રિય ચક્રાવાતી સિસ્ટમ તથા પવનની દિશા બદલાવાના કારણે ચોમાસુ ભારતના કાંઠે આવીને અટકી ગયું છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ 26મી મેના રોજ નૈઋત્ય ચોમાસુ કેરળમાં પ્રવેશી જવાનું અનુમાન દર્શાવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ રફતાર ધીમી થવા સાથે અટકી ગયું હોવાથી ચોમાસાની એન્ટ્રી મોડી થવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો. મૃત્યુંજ્ય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસા વિશે નવું અનુમાન જાહેર કરવામાં આવશે તેનાથી સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. બીજી તરફ મૌસમ વિજ્ઞાની અને સ્કાઇમેટના અધ્યક્ષ જે.પી. શર્માએ કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ધીમી અને સંતૂલિત રહી શકે છે. હવે ચોમાસુ 3-4 જુને પ્રવેશે તો પ્રારંભિક ગતિ ધીમી અને નબળી રહેશે. ઉતર તરફ ઝડપથી નહીં પહોંચી શકે. આ પ્રક્રિયાને સોફટ લેન્ડીંગ કહેવામાં આવે છે.
હવામાન નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચોમાસાની ચાલ હાલ સંપૂર્ણપણે સમુદ્રી હવાઓ પર ર્નિભર છે. બંગાળની ખાડીના સક્રિય ચક્રાવાતે ચોમાસુ પવનોને ખેંચી લીધા છે પરિણામે અરબી સમુદ્રથી કેરળ તરફના ભેજથી દક્ષિણ-પશ્ચિમી પવન નબળા પડી ગયા છે અને ચોમાસાની ગતિ અટકી ગઇ છે.