જૂનાગઢ મહાનગરપાલિકાની ભુંગળી વિનાની ભવાઈ : જમીનના ઠેકાણા નથી અને ગૌરવ પથ બનાવવા નીકળ્યા

0

મનપાના સત્તાધિશો સંકલનમાં અંદરો-અંદર ઝઘડે છે, આમ જનતાની ચિંતા નથી તેવા બેજવાબદાર તંત્રને ડીસકવોલીફાઈડ કરી કલેકટરને ચાર્જ સોંપવા કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાની માંગ

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની ગઈકાલે મંગળવારે બેઠક મળી હતી અને આ બેઠક શરૂ થાય તે પહેલા જ બઘડાટી બોલી હતી. કારણે બોર્ડ શરૂ કરવાનો સમય ૧ર વાગ્યાનો હતો તેમ છતાં ૧રઃ૩૦ સુધી કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ફરક્યા ન હતા. ત્યારે વોર્ડ નંબર-૪ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ જણાવ્યું હતું કે, મેયર, સેક્રટરીને ફોન કર્યો છતાં ફોન ઉપાડતા નથી. બોર્ડ શરૂ કરવું ન હોય તો ૧ર વાગ્યાનો સમય શા માટે આપો છો ? સંકલનમાં અંદરો અંદર ઝઘડે છે અને હેરાન અમારે થવાનું ? લોકો મરે છે તો પણ ચિંતા નથી. કારણ કે તેમના કોઈ સગા નથીને એટલે. આવી બોડીને ડિસ્કવોલીફાઈ કરી કલેકટરને ચાર્જ સોંપી દેવો જાેઈએ. અધિકારીઓ પણ બેઠા છે જેથી અરજદારો હેરાન થાય છે. પ્રજાની પડી નથીને અંદરો અંદરના ડખા છે તેને શાંત કરવામાં પડયા છે. બાદમાં ૧રઃ૪૦એ મેયર, ૧રઃ૪૪એ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ૧રઃ૪૭એ કમિશ્નર આવ્યા હતા. બાદમાં બોર્ડ શરૂ થયું હતું. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોટે ઉપાડે અગાઉ જૂનાગઢના બનનારા ગૌરવ પથ માટે મોટી જાહેરાત કરી હતી અને મોતીબાગથી અક્ષરવાડી સુધીનો રોડ રર કરોડના ખર્ચે બનશે તેવું જણાવ્યું હતું. પરંતુ સત્ય હકિકત એ છે કે ગૌરવ પથ માટે જમીન મળવી જ મુશ્કેલ છે. ત્યાં ગૌરવ પથ બનાવવાની વાતનો ફિયાસ્કો થઈ રહ્યો હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. અગાઉ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે મહાનગરપાલિકાએ કૃષિ યુનિવર્સિટી પાસે જમીન માંગી હતી. ત્યારે પણ કૃષિ યુનિવર્સિટીએ જમીનઆપી નથી. માત્ર વિકાસ કરવા માટેની પરમિશન આપી છે પરંતુ જમીનની માલિકી હક કોર્પોરેશનને આપ્યો નથી. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે કોર્ટ શું ચુકાદો આપે તેના પર મિટ મંડાઈ છે. ત્યારે હવે ગૌરવ પથ માટે કૃષિ યુનિવર્સિટી પાસેથી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા કરવાની શાસકો વાત કરી રહ્યા છે પરંતુ જમીન મળવી મુશ્કેલ હોવાનું મનપાના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. માટે જ જનરલ બોર્ડમાં કહેવાયું છે કે, એગ્રી યુનિવર્સિટી જમીન આપશે ત ગૌરવ પથ બનશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!