જયોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે આગળ માસની પૂર્ણિમાની તિથિ તા. ૧૩ મી માર્ચે સવારે ૧૦:૩૫ થી ૧૪ માર્ચે રાત્રે ૧૨:૨૩ સુધી હોય, હિન્દુ પરંપરા અનુસાર તેમજ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ઉદયા તિથિ અનુસાર ઉત્સવની સામાન્યત: ઉજવણી માં ગઈકાલે શુક્રવારે પૂર્ણિમા પર્વ ઉજવાયો હતો. આજે સવારે ૬ વાગ્યે મંગલા આરતી યોજાઈ હતી. ત્યારે બાદ બપોરે ૧ વાગ્યા સુધી ઠાકોરજીનો ક્રમ જળવાયો હતો. આ ઉપરાંત બપોરે ૧:૩૦ વાગ્યે કુલડોલ પર્વની ઉત્સવ આરતી યોજાયા બાદ ભાવિકો ઠાકોરજી સંગ બપોરે ૨:૩૦ વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ મનાવવા પગપાળા તથા અન્ય માર્ગોથી દ્વારકા પધારેલ હજારો ભાવિકો ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલથી ફુલડોલ પર્વની ઉજવણી કરી હતી.
જગતમંદિરમાં ઉત્સવ દરમ્યાન લાખો ભાવિકોની ઉપસ્થિતિ દર્શાવતો આકર્ષક ડ્રોન વ્યુ : વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત
દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય તેમની સુરક્ષા અને સલામતી અને સગવડતા કાજે વહીવટી તંત્રે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આ દરમ્યાન મંદિરના ફુલડોલ ઉત્સવમાં ભાવિકોના ઘોડાપુર તેમજ પેનોરેમીક વ્યુ સાથેના આકર્ષક અવકાશી ડ્રોન વ્યુ ખૂબ જ દર્શનીય બની રહ્યા હતા.