રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરાયો : ખેડૂતો પાંચ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે

0

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂા.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તા.૧૭-૩-૨૦૨૫થી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે.
નોંધણી : લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ૦૧/૦૧/૨૦૨૫થી ૧૬/૦૩/૨૦૨૫ સુધી હાથ ધરવામાં આવેલ, જેમાં વધારો કરી તા. ૦૫/૦૪/૨૦૨૫ સુધીની કરવામાં આવ્યો છે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી.
ડોક્યુમેન્ટ્સ : નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો. ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
એસએમએસ(જીસ્જી) : ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ (જીસ્જી) મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેશો. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જાે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.
હેલ્પલાઇન નંબર : નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

error: Content is protected !!