પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૪૬ થી વધુ દેશોના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ ઘરબેઠા ફેસબુક, ઇસ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી શીશ નમાવી ધન્યાતા પ્રાપ્ત કરી હોવાની વિગતો બહાર આવી છે. આમ, સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન સમય મુજબ અપનાવાયેલ પ્રણાલીથી દેવાધિદેવ સોમનાથ મહાદેવ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમ થકી વિદેશના કરોડો ભકતો ભકિતનો સેતુ બાંધી શિવભકિત કરી રહયા છે.
અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન એવા જગવિખ્યાત સોમનાથ મહાદેવ પ્રત્યે દેશ-વિદેશમાં વસતા શિવભકતો અનેરી આસ્થા ધરાવે છે. છેલ્લા એક દસકા દરમ્યાન સોમનાથ મંદિરે આવતા ભાવિકોની સંખ્યામાં દર વર્ષે થઇ રહેલો નોંધપાત્ર વધારો તેને સમર્થન આપી રહયો છે. તો બીજી તરફ સોમનાથ મંદિરના ટ્રસ્ટી એવા દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહના માર્ગદર્શન હેઠળ યાત્રાધામ સોમનાથનો અનેરો વિકાસ થઇ રહયો છે. સાથે સાથે આધુનિક ટેકનોલોજી યુગમાં પણ સોશ્યલ મીડીયા થકી ભકતોને ઘરબેઠા ભકિત કરી શકે તે માટે અનેક કાર્યો ટ્રસ્ટીએ શરૂ કર્યા છે.
જેમાં સેક્રેટરી પી.કે. લહેરીએ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૧૫ થી સોમનાથ મંદિર ખાતે આઇટી અને પીઆરઓ વિભાગની ટીમ કાર્યરત કરેલ હતી. આ બંન્ને વિભાગની ટીમો સોમનાથ મંદિરે થતા દરરોજ સવાર-સાંજના દર્શન, શણગારના દર્શન, આરતી, મહાપૂજા સાથે વિશેષ કાર્યક્રમોના ફોટો-વીડીયો શિવભકતો ઘરબેઠા નિહાળી શકે તે માટે સોશ્યલ મીડીયામાં મુકવા શરૂઆત કરી હતી. જે કામગીરીને શરૂઆતથી જ દેશ-વિદેશમાં વસતા શિવભકતોએ આવકારી ખુશી વ્યકત કરી હતી. આ કામગીરી થકી ૨૦૧૯ના વર્ષમાં કરોડો ભાવિકોએ લ્હાવો લીધો હોવાની વિગતો બહાર આવી છે.