(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી, તા. ૨૫
કોરોના વાયરસને કારણે વિશ્વભરના ૫૦થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કરેલ છે. તેના કારણે લગભગ ૨૩૦ કરોડ લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. જેમા એકલા ભારતમાં જ ૧૩૦ કરોડ લોકો ગત રાત્રે ૧૨ વાગ્યાથી ઘરોમાં પુરાઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે ભારતમાં ૨૧ દિવસના અનિવાર્ય લોકડાઉનનુ એલાન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે આને લોકો કર્ફયુ જ ગણે. લોકડાઉન જાહેર કરનારા અનેક દેશોએ આને અનિવાર્ય કરેલ છે તો કેટલાકે આને કડકાઈથી લાગુ નથી કર્યુ. ફકત લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઈ છે.
લગભગ ૧૯૫.૯ કરોડની વસ્તીવાળા ૩૫ દેશોએ અનિવાર્ય લોકડાઉન કર્યુ છે. અનિવાર્ય લોકડાઉનનો અર્થ છે કે જરૂર વગર ઘરની બહાર નિકળવાની સ્પષ્ટ મનાઈ અને આવુ કરનારા સામે કડકાઈથી કામ લેવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ દેશોમાં ૧૩૦ કરોડની વસ્તીવાળુ ભારત સૌથી મોટુ છે. આ સિવાય ફ્રાન્સ, ઈટાલી, આર્જેન્ટીના, ઈરાક, ગ્રીસ, રૂવાન્ડા અને અમેરિકાનું કેલીફોર્નિયા રાજ્ય છે. ગઈકાલે કોલંબીયાને પણ આ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. ન્યુઝીલેન્ડ આજથી લોકડાઉન થયુ છે. મોટાભાગના દેશોમાં જરૂરી કામ ઉપર જવા કે મેડીકલ સુવિધા માટે જવાની છૂટ છે.