કામ વગર બહાર નિકળેલ ૪૫ લોકો સામે જાહેરનામા ભંગના ગુનાઓ નોંધાયા

0

ગીર સોમનાથ જીલ્લામાં સોશ્યલ મીડીયામાં અફવા ફેલાવતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સાયબર સેલની ત્રણ ટીમ કાર્યરત કરાઇ – પોલીસ વડા ત્રીપાઠી

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા. રપ
ગુજરાત રાજયમાં જાહેર થયેલા લોકડાઉનની સંપૂર્ણ અમલવારી કરાવવા ગીર સોમનાથ જીલ્લા પોલીસ તંત્ર એક્સન મોડમાં આવી બિનજરૂરી કામ વગર ઘરની બહાર નિકળતા લોકો સામે જાહેરનામાના ભંગ હેઠળ આકરી કાર્યવાહી કરી છે. ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાં જાહેરનામા ભંગ બદલ ૪૫ લોકો સામે ૯ જેટલા જાહેરનામાના ભંગના ગુનાઓ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજયમાં જાહેર થયેલા લોકડાઉનની ગીર સોમનાથ જીલ્લામાં ચુસ્તપણે અમલવારી કરાવવા અંગે પોલીસ તંત્રે કરેલ કાર્યવાહીની માહિતી આપતા ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ જણાવેલ કે, ગતરાત્રી દરમ્યાન જ ગીર સોમનાથ જીલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવેલ છે. સાથે જીલ્લાના છ શહેરમાં પ્રવેશવાના, બહાર નિકળવા સહિતના મુખ્ય રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી બેરીકેટીંગ કરવામાં આવેલ છે. આ તમામ ચેક પોસ્ટો ઉપર રાઉન્ડ ધ કલોક પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવાયેલ છે. ગઈકાલે દિવસ દરમ્યાન કામ વગર ખોટા બહાના સાથે લટાર મારવા નિકળેલા લોકો સામે જાહેરનામા ભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર અને ઉનામાં કુલ ૪૫ લોકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ બદલ ૨૬૯, ૧૮૮ મુજબ ગુના નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વર્તમાન પરિસ્થિતિમાં ગીર સોમનાથ જીલ્લામાં જો કોઇ ઇસમો સોશ્યલ મીડિયામાં ખોટી અફવા ફેલાવાશે તો તેઓની ખેર રહેશે નહીં. કારણ કે, ગીર સોમનાથ જીલ્લામાં શાંતિ જળવાય રહે અને સોશ્યલ મીડીયામાં ફેલાતી ખોટી અફવાઓ રોકવા ગીર સોમનાથ જીલ્લામાં સાયબર સેલની ત્રણ ટીમો સતત દેખરેખ રાખી રહી છે. જો કોઇ અફવા ફેલાતો જણાશે તો તેવા ઇસમો સામે આઇ.ટી. એકટ અને એમપીડેકટ મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લામાં લોકોએ સરકારની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી ઘરમાં રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ છે. જો કોઇને કંઇપણ સમસ્યા હોય તો સ્થાનનીક પોલીસનો સંપર્ક કરવો જેથી સ્ટાફ તેમની મદદ કરશે તેવી સુચના આપવામાં આવી છે.
error: Content is protected !!