જૂનાગઢ કોર્પોરેશનમાં મહત્વની ૧૮ પોસ્ટ ઉપર ઈન્ચાર્જથી કામ ચલાવાય છે

0

ગુજરાત સરકારનાં જયાં ચારેય હાથ છે અને છુટા હાથે નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવે છે તેવા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી જનતાને કોઈ સંતોષ નથી. મહાનગરની જનતાના પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો ટલ્લે ચડેલા છે. તહેવારોનાં દિવસો નજીક આવતા જાય છે. પરંતુ હજુ ગામમાંથી ડમરીઓ ઉડવાનું બંધ થતું નથી. અને ત્યાં જ ભરતી બઢતીના નિયમોની કાયદેસરની અમલવારી કરવાનાં ઠરાવને પગલે આ પ્રશ્ને પણ ભારે વિવાદ ચાલી રહયો છે. એવું કહેવાય છે કે નકકી કરેલી વ્યકિતઓને મોટું પદ આપવા માટેની આ કવાયતનાં ભાગરૂપે આવા નિયમો હાથ ધરવામાં આવેલ છે. અને જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૮ જેટલી મહત્વની પોસ્ટોમાં મહત્વની ઈન્ચાર્જ કર્મચારી ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. એટલું જ નહીં જૂનાગઢ મહાનગરપાલિકાને ભ્રષ્ટાચાર મુકત બનાવવું હોય અને પારદર્શક વહીવટ આપવો હોય તો સ્પેશ્યલ કમિશન મુકવાની માંગણી ઉઠી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં તબદીલ થયું તેને ૧૯ વર્ષ થયા તેમ છતાં હજુ પ્રાથમિક સુવિધાના ધાંધીયા યથાવત રહયા છે. આનું મુખ્ય કારણ છે, પુરતા કવોલીફિકેશન વિનાના લોકોને બનાવી દેવાયેલા અધિકારીઓ હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં મહત્વની કહી શકાય તેવી ૧૮ પોસ્ટ એવી છે કે, જયાં માત્ર ઈન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવે છે. રેગ્યુલર ભરતી કરવામાં આવતી નથી તેની પાછળ પણ જબરૂં રાજકારણ ખેલાઈ રહયું છે. જાે રેગ્યુલર ભરતી કરે તો આવા લાગતા વળગતા કર્મીઓને અધિકારી કઈ રીતે બનાવી શકાય ? ત્યારે અનુભવના બહાને લાગતા વળગતા સામાન્ય કર્મીઓને પણ અધિકારીનો તાજ પહેરાવી શકાય તે માટે ઈન્ચાર્જ અધિકારી બનાવી દેવાય છે. વળી આ માટે જ તાજેતરમાં બનાવાયેલા ભરતી અને બઢતી માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રજીસ્ટ્રરમાં પણ બધાએ સાથે મળી કુલડીમાં ગોળ ભાંગી લીધો છે. રાજય સરકારની ગાઈડ લાઈન મુજબની યોગ્યતાને કોરાણે મુકી લાગતા વળગતાને લાભ કઈ રીતે મળી શકે તેને ધ્યાને રાખી નિયમોમાં પણ સુધારા વધારા કરી નાંખ્યા છે. જેમાં ઘરના ભુવા અને ઘરનાં ડાકલા. આમ, નિયમોને સાવ હળવા ફુલ જેવા બનાવી દેવાયા છે. આ શાખા અધિકારીઓએ મહાનગરપાલીકાને બદનામી મળે તેવા જ કાર્યો કર્યા છે. લોકોને ભાજી-મુળાની જેમ સમજી નિષ્ક્રીયતા ભરી કામગીરી કરી રહયા છે ત્યારે આ મામલે રાજય સરકારે યોગ્ય તપાસ કરવી જાેઈએ અને જરૂર જણાયે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના નિયમોમાં કરેલા સુધારા વધારાનો અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવો જાેઈએ. ગુજરાત સરકાર જયારે જૂનાગઢ શહેરનાં વિકાસ માટે કૃતનિશ્ચય છે. ત્યારે મહાનગરપાલિકાનાં પારદર્શક વહિવટ માટે ખાસ તપાસ પંચ બેસાડી યોગ્ય વ્યવસ્થા કરવી જાેઈએ તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!