આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર-સોમનાથ જિલ્લામાં થઈ રહી છે. આવતીકાલે સોમનાથ ખાતે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ત્રિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે. ત્યારે બરોબર છ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૧૬માં આજ સ્થળે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી અને નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સરકાર દ્વારા જિલ્લાના વડા મથક વેરાવળના વિકાસ હેતુ સોમનાથ સમીપે આવેલ પ્રાચીન સોમનાથ સરોવરનો વિકાસ કરવા અને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ સ્થાનિક નાગરિકો અને યાત્રિકો માટે ફરવાલાયક સ્થળ બને તે માટે જાહેરાત કરી હતી અને માત્ર જાહેરાત જ નહિં રાજ્ય સરકાર દ્વારા આ માટે ૪૨ કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ જિલ્લા વહિવટી તંત્રના હવાલે પણ કરી દેવાઈ હતી. પરંતુ રાજ્ય સરકારની ભેટ યોજના ઉપર સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને કહેવાતા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પાણી ફેરવી દીધુ હોય તેમ છ-છ વર્ષનો સમય વીતી જવા છતાં આ ગ્રાન્ટનો ઉપયોગ જ ન કર્યો અને સોમનાથ સરોવરની વિકાસ યોજના પ્રજાજનો માટે દિવાસ્વપ્ન સમાન સાબિત થઈ. આખરે રાજ્ય સરકારે પણ છ-છ વર્ષથી જિલ્લા વહીવટી તંત્રમાં ધૂળ ખાતી ૪૨ કરોડની વિકાસ યોજનાની ગ્રાન્ટ પણ પરત ખેંચી લેતા લોકોમાં ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે. છ વર્ષ પછી ફરીવાર જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના વડામથક સોમનાથ ખાતે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી, સરકારના સચિવો સહિતના એક તબબકે જ્યારે સરકાર જ ગીર-સોમનાથ જિલ્લામાં આવી રહી છે ત્યારે જિલ્લાના નાગરિકો રાજ્ય સરકાર સમક્ષ વસવસો ઠાલવી રહ્યા છે કે, જિલ્લાના વિકાસ યોજનાની ભેટ પરત લઈ શા માટે અન્યાય કર્યો ? આજે જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં છ વર્ષે ફરીવાર પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રજાના પ્રશ્નો અને લાગણીઓને રાજ્ય સરકાર સમક્ષ મુકવા એક જાગૃત મીડિયા તરીકે વિનમ્ર પ્રયાસ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સરકાર આ ગીર-સોમનાથ જિલ્લાને થયેલ અન્યાય મુદ્દે જરૂરથી યોગ્ય ઉકેલ લાવશે અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાસ્તવમાં પ્રજાભિમુખ સરકાર તરીકે કરશે તેવી પ્રજાજનોમાં હજુ પણ આશા અપેક્ષા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews