ફૂડ સિક્યુરિટીને પ્રોત્સાહન આપવા તથા સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

0

નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું : અગ્ર સચિવ આર. સી. મીણાએ PDSને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલોજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા રોડમેપ રજૂ કર્યો

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તા.૫ જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો. મંત્રી બાવળિયાએ અન્ન સુરક્ષા(ફૂડ સિક્યુરિટી)ને પ્રોત્સાહન આપવા તથા સપ્લાય ચેઈનને સુવ્યવસ્થિત કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે અન્ન વિતરણ પ્રણાલીઓને મજબૂત કરવા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી ખાદ્ય વસ્તુઓની પહોંચ વધારવા માટે ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલી મુખ્ય પહેલો ઉપર પ્રકાશ પાડ્યો હતો. મંત્રી બાવળિયાએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય જાહેર વિતરણ પ્રણાલી(PDS) ઓટોમેશન તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત એક કુશળ અને પારદર્શક અન્ન વિતરણ પ્રણાલી અંગે પ્રતિબદ્ધ છે. અત્યાધુનિક ટેક્નોલોજી સહિતના સમાધાનો વડે ગુજરાતે પોતાની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના વ્યવસ્થાપન તથા સંચાલનમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા, જેથી રાજ્યની નાગરિકોને જરૂરી ચીજ-વસ્તુઓની સમયસર તેમજ સચોટ ડિલીવરી સુનિશ્ચિત થઈ છે. ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલીના ઓટોમેશનના કારણે ઘણા લાભો થયા છે. તેના થકી આખી સિસ્ટમ પારદર્શક બની છે, લીકેજમાં ઘટાડો થયો છે તથા વસ્તુઓની ખરીદીથી લઈ તેના વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું વધુ સારી રીતે ટ્રેકિંગ શક્ય બન્યું છે. રિયલ ટાઇમ ડેટા મોનિટરિંગ તેમજ એનાલિટિક્સના કારણે પ્રક્રિયામાં રહેલી સંભાવિત ખામીઓનો ઝડપથી તાગ મેળવવા અને તેનું સમાધાન શોધવામાં મદદ મળી છે. આ તકનીકના કારણે જાહેર વિતરણ પ્રણાલીના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર પહોંચાડવાનું સુનિશ્ચિત થયું છે. સંમેલનમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોના અગ્ર સચિવ આર.સી. મીણાએ ‘Supply Chain Automation in Gujarat State’ અંગે એક વિસ્તૃત રજૂઆત કરી અને જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલોજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા અંગેના રોડમેપ વિશે માહિતી આપી હતી. આ પ્રેઝન્ટેશન સપ્લાય ચેન ઓટોમેશન, ICT લોજિસ્ટિક્સ, જીપીએસ એનેબલ્ડ ટ્રેકિંગ તથા રિયલ ટાઇમ મોનિટરિંગ તેમજ અન્ય મહત્વના વિષયો ઉપર કેન્દ્રિત હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોન્ફરન્સ દરમ્યાન ગુજરાત રાજ્યના અધિકારીઓ દ્વારા જાહેર વિતરણ પ્રણાલીના સપ્લાય ચેન ઓટોમેશન ઉપર અપાયેલા પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી. તેમજ PDS ઓટોમેશનમાં ગુજરાતની સિદ્ધિઓ અન્ય રાજ્યો માટે એક મોડલ તરીકે કામ કરે છે તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાતના પ્રેઝન્ટેશન થકી અન્ય રાજ્યો પણ ગુજરાતના સફળ PDS મોડલને અપનાવવા માટે પ્રેરિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં મહત્વના એજેન્ડા ઉપર વિચાર-વિમર્શ કરવા તથા ભારતની અન્ન સુરક્ષા તથા જાહેર વિતરણ પ્રણાલીને સશક્ત બનાવવા માટે અસરકારક રણનીતિ તૈયાર કરવા માટે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંબંધિત અગ્ર સચિવો, સચિવો, DFPD, FCl, CWC, WDRAના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

error: Content is protected !!