આગામી માર્ચ માસમાં યોજાનાર શિવરાત્રીનો મહામેળો મીની કુંભ મેળા તરીકે ઉજવાય તેવા નિર્દેશો

0

ર૬ જાન્યુઆરીની રાજય કક્ષાની જૂનાગઢમાં ઉજવણી સંપન્ન થયા બાદ શિવરાત્રીના મીની કુંભ મેળા અંગે શરૂ થશે તડામાર તૈયારી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને પાંચ દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે. શિવરાત્રીના મેળાનું આગવું અને અનેરૂ મહત્વ છે. તાજેતરમાં જ પરિક્રમાનો મેળો સંપન્ન થયો છે અને હવે આગામી વર્ષ એટલે કે ર૦ર૪માં માર્ચ માસમાં શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે ત્યારે આગામી શિવરાત્રીનો મહામેળો આ વર્ષે મીની કુંભ મેળા તરીકે ઉજવવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે અને સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર રીતે જાહેરાત થાય તેવું મનાઈ રહ્યું છે.
જૂનાગઢનું ભવનાથ ક્ષેત્ર એટલે તીર્થોની નગરી કહેવાય છે. આ ધાર્મિક અને પાવનકારી ભોમકા ઉપર દર વર્ષે પરિક્રમાનો મેળો અને શિવરાત્રીનો મેળો આનંદ, ઉત્સાહ અને ભાવપુર્વક યોજાઈ છે. દેવ ઉઠી દિવાળીના દિવસથી પરિક્રમાનો મેળો શરૂ થયો હતો અને કારતીકી પુર્ણીમાના દિવસે આ મેળો સંપન્ન થયો છે. આ વર્ષે ૧ર લાખથી વધારે ભાવિકો પરિક્રમાના મેળામાં ઉમટી પડયા હતા. પરિક્રમાના મેળાની પુર્ણાહુતી બાદ હવે આગામી વર્ષ ર૦ર૪માં શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે. આગામી તા.પ માર્ચ મહાવદ નોમના દિવસથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ શિવરાત્રીના મેળાનો મહાપ્રારંભ થશે અને તા.૮ માર્ચ મહાવદ તેરસ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ ભગવાન ભોળાનાથની મહાપૂજા બાદ શિવરાત્રી મેળો સંપન્ન થવાનો છે. શિવરાત્રી મેળાની આગોતરી તૈયારી અને આયોજન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ દરમ્યાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ શિવરાત્રી મેળાની તૈયારીઓ શરૂ કરી દીધા હોવાના નિર્દેશો મળે છે. સ્થાયી સમિતીની મળેલી બેઠકમાં ભવનાથ વિસ્તારમાં શિવરાત્રી મેળા અંતર્ગત ૧૧ સ્થળો ઉપર ૩૬ જેટલા સીસીટીવી કેમેરા લગાવવાના ખર્ચને મંજુરી આપી દીધી છે. મનપા તંત્ર, સ્થાનિક તંત્ર, જીલ્લા પંચાયત તેમજ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ ટુંક સમયમાં શિવરાત્રીના મેળા અંગેની તૈયારીઓ શરૂ કરશે તેવા નિર્દેશો મળે છે. શિવરાત્રી મેળો એટલે ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ તેમજ શિવરાત્રી મેળાનું અનેકગણું મહત્વ હોય દેશભરમાંથી અહીં સિધ્ધ સંત, મહંતો, મહા મંડલેશ્વરો અને વિભુતીઓ અહીં પધારતા હોય અને ધુણા ધખાવી પોતાના આસન ગ્રહણ કરતા હોય છે. શિવરાત્રીના દિવસે ભવ્ય રવાડી સંઘર્ષ, શીવજીની મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે અને સિધ્ધ સંતોના દર્શનનો અનન્ય લ્હાવો ભાવિકોને મળતો હોય છે. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળાનો દરજ્જાે આપવા માટે સાધુ સંતો વિવિધ સંગઠનો ભાવિકોએ અનેક રજુઆતો કરી હતી. અને આ રજુઆતનો પડઘો પાડી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા ઐતિહાસીક નિર્ણય લઈ શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળાનો દરજ્જાે આપ્યો હતો અને સરકાર તરફથી મોટું ફંડ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે તે વખતે સરકારે જાહેર કરેલ હતું કે દર વર્ષે નહી પરંતુ દર પાંચ વર્ષે શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળા તરીકે ઉજવવામાં આવશે અને આ તક જાણે આવી ગઈ હોય તેમ લાગે છે. આગામી શિવરાત્રીનો મેળો મીની કુંભ મેળા તરીકે ઉજવાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. જૂનાગઢ ખાતે પ્રજાસત્તાક પર્વ ર૬મી જાન્યુઆરી રાજય કક્ષાની ઉજવણી કાર્યક્રમ સંપન્ન થયા બાદ શિવરાત્રીના મેળાની મીની કુંભ મેળા તરીકેની ઉજવણી અંગેની જાહેરાત થાય તેવા નિર્દેશો મળે છે.

error: Content is protected !!