ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામે મંજુર થયેલી લીઝની જમીન થર્ડ પાર્ટીને વેંચી દેવાના બનાવ અંગે ન્યાય માટેની માંગણી તેમજ આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવા અંગેની માંગણી કરવામાં આવી હતી પરંતુ જે તે વખતે તપાસનીશ અધિકારીઓેએ આરોપીઓ વિરૂધ્ધ તા.૧૯-૭-ર૦ર૩ના રોજ થયેલ ફરિયાદમાં આરોપીઓ વિરૂધ્ધ આઈપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૬૯, ૪૭૧, ૪૭૭ તેમજ ૧ર૦ બી મુજબ ગુનો દાખલ ન કરતા આખરે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તપાસનીશ અધિકારીઓને આગામી તા.૧૭ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં ઉપસ્થિત થવા આદેશ જારી કર્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિજયસિંહ રણધીરભાઈ ઝાલા રહે.નિલામબર-૧, વાસણા રોડ, વડોદરા વાળાએ ગીર-સોમનાથ વિભાગના એસપીને એક ફરિયાદ અરજી આપી હતી અને આ ફરિયાદ અરજીમાં સ્પષ્ટ જણાવેલ હતું કે, આમોદ્રા ગામે મંજુર થયેલી લીઝની જમીન અરજદારે લીધી હોવા છતાં આ જમીન અન્ય પાર્ટીને વેંચી દેવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું અને વિજય મોરીએ પોતાની હોટલ ઉપર બોલાવી અને ષડયંત્ર રચી તેમજ આ મંજુર થયેલ લીઝની જમીન થર્ડ પાર્ટીને વેંચી દેવાનો બનાવ બનવા પામેલ હતો. આ સમગ્ર પ્રકરણ અંગે વિજયસિંહ ઝાલાએ ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને ફરિયાદ અરજી આપી હતી. આ ઉપરાંત જૂનાગઢ રેન્જના તત્કાલીન આઈજીપીને અરજી આપી હતી અને આ જમીન કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સહિત તમામ સામે કડક કાર્યવાહી તેમજ આરોપીએ મહેસુલ એકટ તથા ખાણ ખનીજ ધારાનો ભંગ કરી અને થર્ડ પાર્ટી વિજય મોરીને વધુ રૂપીયાની લાલચમાં આવી અને જમીન વેંચી દીધી હોવા બાબતે તમામ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી અને જાે આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો હાઈકોર્ટમાં જવાની નોટીસ પણ આપવામાં આવી હતી.
દરમ્યાન આખરે વિજયસિંહ ઝાલાએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પે. કીમી એપ્લીકેશન કરતા જણાવેલ છે કે ર૦૧૭ માઈનીંગ લીઝ અધિનીયમ મુજબ આ કેસમાં કાયદાનો ભંગ થયેલ છે તેમજ મંજુર થયેલ લીઝ અન્ય પાર્ટીને વેંચી શકાય નહી એટલું જ નહી વધુમાં પુરાવા આધારીત કલમોનો ઉમેરો ના કરી અને આરોપીઓનો બચાવ કરેલ તે બાબતે રીટ દાખલ કરતા ગીર-સોમનાથ જીલ્લાના જવાબદાર અધિકારીઓને આ કેસ પ્રકરણમાં તેડું આવ્યું છે અને આગામી તા.૧૭ જાન્યુઆરીના રોજ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જે અંગેની નોટિસ હાઈકોર્ટ દ્વારા આઈજીપી, એસપી, પીઆઈ, ખાણ ખનીજ કમિશનરશ્રીને પાઠવવામાં આવી છે.