જૂનાગઢમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી રોકડ, કિંમતી વસ્તુ સેરવી લેતી ત્રીપુટીને ઝડપી લેતી પોલીસ : ૧૦૦ ગુનાઓનો ભેદ ઉકેલાયો

0

ર રિક્ષા, રોકડ સહિત રૂા.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ભારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી અને ખિસ્સામાંથી રોકડ, કિંમતી વસ્તુ સેરવી લેતા ૩ સભ્યોની ત્રીપુટી ગેંગને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં થતા ચોરી સહિતના બનાવોનો ભેદ ઉકેલવા તેમજ આ બનાવો બનતા અટકે તે માટેની કાર્યવાહી કરવા માટેની સુચનાને લઈને એલસીબી પોલીસ સતત કાર્યરત હતી. આ દરમ્યાન મળેલી બાતમીના આધારે મુસાફરોના ખિસ્સામાંથી કિંમતી વસ્તુ સેરવી લેતી ગેંગને ઝડપી લેવામાં આવેલ છે. જે અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢ એલસીબી દ્વારા મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જૂનાગઢ એ ડિવિઝન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોનો કીમતી સામાન ચોરી થયાની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ જૂનાગઢ એલસીબી દ્વારા રીક્ષા ચાલક આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો અને નેત્રમ શાખાની મદદથી રીક્ષા ચાલક બની મુસાફરો ને રીક્ષામાં બેસાડી ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતા દીપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી અને સાગર ઉર્ફે બાડો અબસાણીયાને જૂનાગઢ જાેશીપરાના ગરનાળા પાસેથી એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી પાસેથી બે ઓટો રીક્ષા કિં.રૂા.૨,૧૦,૦૦૦, રોકડ રૂપિયા ૩૮,૫૦૦ મોબાઈલ ૨ કિં ૨૦,૦૦૦ મળી કુલ ૫,૧૮,૫૦૦નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ ત્રણે આરોપીઓ દ્વારા જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા વિસ્તારમાં ૧૦૦થી વધુ ચોરી કર્યાનું કબૂલ્યું છે. પકડાયેલ ત્રણે આરોપીઓ રોજની એક ચોરીને અંજામ આપતા હતા. પકડાયેલ ત્રણ આરોપીઓ માંથી એક આરોપી રીક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. અને અન્ય બે રિક્ષામાં પેસેન્જર બનીને બેસતા હતા. ત્યારે રિક્ષાની રાહ જાેયેલા પેસેન્જરને રિક્ષામાં બેસાડી રિક્ષામાં ધક્કા મૂકી કરી તેની કીમતી વસ્તુની ચોરી કરી લેતા હતા. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા તથા શહેરી વિસ્તારમાં ચોરી તેમજ ઘરફોડના ગુન્હાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ બી ડિવિઝનમાં રિક્ષામાંથી પેસેન્જરની કિંમતી વસ્તુઓ ચોરી થયાના ત્રણ ગુનાઓ બન્યા હતા. જે ગુનાઓને ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સર્વેન્સ અને બાતમીદારોની બાતમીના આધારે જાેશીપરાના ગરનાળા પાસેથી ત્રણ ઈસમોને રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ ત્રણે ઈસ્મોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પકડાયેલ દિપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી, સાગર ઉર્ફે બાડો અપસાણીયાને પાંચ લાખ થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણે પકડાયેલ ઇસમો ભીડ ભાડ વાળા વિસ્તારમાં એક વ્યક્તિ રિક્ષાચાલક બની તેના બે સાથીને તે જ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડતા હતા. અને બીજા પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેની પાસેની મોબાઇલ, રોકડ, રકમ દાગીના કે કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી લેતા હતા. ત્યારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલ ત્રણે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.

error: Content is protected !!