ભવનાથ તળેટી ખાતે આવતીકાલથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગિરનારની પવિત્રતા જળવાય અને શિવરાત્રીનો મેળો તેની પરંપરા પ્રણાલી મુજબ યોજાય તે માટે સાધુ-સંતો અને સર્વે સમાજના સનાતની સમાજના લોકોની એક વિશાળ રેલી દામોદર કુંડથી દત્ત ચોક સુધી યોજાઈ હતી. ગિરનાર છાયા મંડળના નેજા હેઠળ દામોદર કુંડ ખાતે ગઈકાલે બપોરે ૪ કલાકે એક બેઠક યોજાઈ હતી અને જેમાં ગિરનારની પવિત્રતા જળવાય તે માટે સર્વે સમાજના આગેવાનોની હાજરીમાં સાધુ-સંતોએ વિચાર-વિમર્શ કરીને સુચનો કર્યા હતા અને બાદમાં સાંજે પ કલાકે રેલી યોજાઈ હતી. આ રેલીમાં દત્ત શિખરના મહંત મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, અમૃતગીરી બાપુ સહિતના સંતો-મહંતો તેમજ નિર્ભયભાઈ પુરોહિત, જયદેવભાઈ જાેશી અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગિરનાર છાયા મંડળ દ્વારા જુના અખાડા ખાતે અને બાદમાં અગ્નિ અખાડા અને આહવાન અખાડા ખાતે એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો અને મુખ્ય માંગણી એવી હતી કે ગિરનારની પવિત્રતા જળવાય તે માટે શિવરાત્રી મેળામાં બગી મુદે તેમજ કલેકટરને સંબોધીને તંત્રને પણ વિવિધ સુચનો સાથે આવેદન અપાયું હતું.