ભવનાથ તળેટી ખાતે આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા શિવરાત્રીના મહામેળાનો આવતીકાલ તા.પ માર્ચના રોજ મહા વદ નોમના દિવસે સંતોની ઉપસ્થિતિમાં અને ભાવિકોની હાજરી વચ્ચે શાસ્ત્રોકત વિધી સાથે સાક્ષાત ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીના મહામેળાનો શુભારંભ કરવામાં આવશે અને હર હર મહાદેવ હર જય ગિરનારી બમ્બ ગિરનારીના નાદો ગુંજી ઉઠશે. આવતીકાલથી શરૂ થતા અને આગામી તા.૮ માર્ચ સુધી યોજાઈ રહેલા શિવરાત્રીના મેળામાં દુર-દુરથી ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. ધાર્મિક સ્થાનો, સેવાકીય મંડળો દ્વારા અને ઉતારા મંડળો દ્વારા ભોજન-પ્રસાદની વ્યવસ્થા માટે અન્નક્ષેત્રો ખુલ્લા મુકવામાં આવે છે. રાત્રીના નામાંકિત કલાકારોના સંતવાણીના કાર્યક્રમો યોજવામાં આવે છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મહામેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.