ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે. ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી-વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે. જેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની સંભાવના વધારે છે.
અંબાલાલ પટેલે આાગાહી કરી છે કે, ગુજરાતમાં ૨૦થી ૨૨ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે ૨૬ મેથી રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ૭થી ૧૦ જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે ૧૪થી ૧૮ જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. ભારે પવનના કારણે મકાનના છાપરા પણ ઉડી શકે છે. તો ૨૫ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થઈ જશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે તા.૧૭ મેથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. ૨૫ મે સુધીમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીથી ઉપર જઈ શકે. તો અમદાવાદમાં તાપમાન ૪૬ ડિગ્રી સુધી રહી શકે છે.
ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો ૪૩ ડિગ્રી, સૌરાષ્ટ્રમાં ૪૩ ડિગ્રી રહી શકે છે. તો ૨૬ મેથી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડી શકે છે.