ભાણવડ તાલુકામાં પાંચ ઈંચ ખાબક્યો : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે ગોમતીઘાટ ઉપર મોટામોજા ઉછળ્યા
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેરના બદલે મેઘ કહેર વરસી રહી છે. ત્યારે ગઈકાલે મંગળવારે વધુ સાત ઈંચ વરસાદ વરસી જતા દ્વારકામાં ઐતિહાસિક કહી શકાય તેટલો ૫૪ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. દ્વારકા તાલુકામાં મંગળવારે સાંજ સુધીના સમયગાળા દરમિયાન ભારે ઝાપટા અવિરત રીતે વરસ્યા હતા. જેના કારણે કુલ સાત ઈંચ (૧૭૪ મી.મી.) પાણી પડી ગયું હતું. જેના પગલે ઠેર ઠેર ઝડપી પરિસ્થિતિ જાેવા મળી હતી. યાત્રાધામ દ્વારકાથી જામનગર – રાજકોટ જતો નેશનલ હાઈ-વે માર્ગ છેલ્લા ૪ દિવસ માં ત્રીજી વખત પ્રભાવિત થયો હતો. દ્વારકામાં સાત ઈંચ જેટલા વરસાદના પગલે આ સિઝનમાં દ્વારકા અને કલ્યાણપુરમાં વરસાદે અડધી સદી ક્રોસ કરી છે. ગઈકાલે મંગળવારે આ નેશનલ હાઈવે માર્ગ છેલ્લા ચાર દિવસમાં ગઈકાલે ત્રીજી વખત પ્રભાવિત થયો હતો. ત્યારે મંગળવારે બપોરથી સાંજ સુધી દ્વારકા આવતા તથા જતા વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આટલું જ નહીં, ઓખાથી જામનગર જતો આ હાઈ-વે પ્રભાવિત થતાં રોડ પર પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્વારકાના અનેક રહેણાંક મકાનમાં તેમજ બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. આટલું જ નહીં, દીવાલ ધરાશાયી થવાના બનાવ પણ સામે આવતા મોટી સંખ્યામાં નગરજનો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. દ્વારકા-કલ્યાણપુર પંથકમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે મેઘરાજા વિરામ રાખે તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. ભાણવડ તાલુકામાં પણ સચરાચર પાંચ ઈંચ જેટલો (૧૧૯ મી.મી.) વરસાદ ખાબકતા ઠેર ઠેર નદી જેવા પાણી વહ્યા હતા. ખંભાળિયા પંથકમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન તેમાં જાહેર વહેલી સવારે અવીરત રીતે ભારે ઝાપટાનો દૌર જારી રહેતા બે ઈંચ (૪૮ મી.મી.) પાણી પડી ગયું છે. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ મંગળવારનો વરસાદ બે ઈંચ નોંધાયો છે. જિલ્લામાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ દ્વારકામાં ૫૪ ઈંચ, કલ્યાણપુરમાં ૫૦ ઈંચ, ખંભાળિયામાં ૪૩ ઈંચ અને ભાણવડ પંથકમાં ૨૮ ઈંચ સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૪૪ ઈંચ નોંધાઈ ચૂક્યો છે. ખંભાળિયા અને ભાણવડ પંથકમાં અવીરત રીતે વરસાદ વરસતા શહેરને પાણી પૂરું પાડતો ઘી ડેમ ગઈકાલે બપોરે છલકાઈ ગયો હતો. જેથી આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જાેવા મળી હતી.