લાંબો સમય ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી પણ ત્રણ જીવને બચાવી ન શકાય
ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ(ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે મંગળવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી-પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપળ્યા હતા. આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટીયા સદગૃહસ્થના માલિકીના આશરે ૧૨૫ વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના ૧૧ જેટલા સભ્યો રહેતા હતા. ગઈકાલે મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો. આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. જે પૈકી આશરે સાતેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણજારીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. ૧૯) અને પ્રીતિબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. ૧૩) ને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સેવાભાવી કાર્યકરો પહોચી ગયા હતા. મોરચો સંભાળીને જે.સી.બી. સહિતના સાધનોથી સુસજ્જ એનડીઆરએફની ટીમના જવાનોએ અવિરત રીતે જહેમત હાથ ધરી, દિવાલ તેમજ નડતરરૂપ કાટમાળને ખસેડ્યો હતો. પરંતુ સૌ પ્રથમ રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે કેસરબેનનો ત્યારબાદ આશરે ૧૧ઃ૩૦ વાગ્યે પ્રીતિબેનનો અને આશરે ૧૨ઃ૧૫ વાગ્યે પાયલબેનનો નિષ્પ્રાણ દેહ આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ત્રણેય મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષો અગાઉ રાજડા બાલમંદિરનું આ મકાન ધરાશાયી થયાનો બનાવ બનતા પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ તેમજ પાલિકાના પ્રમુખ – સત્તાવાળાઓ, મામલતદાર વિક્રમ વરૂ, પી.આઈ. સરવૈયા સહિતનો કાફલો આ સ્થળે દોડી ગયો હતો. મકાનમાં ફસાયેલા ત્રણ પરિવારજનોને બચાવવા માટે સધન રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અને જે.સી.બી.ની મદદથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા લાંબો સમય ચાલી હતી. ઘટના સ્થળે ઇમરજન્સી ૧૦૮ સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ અત્યંત જર્જરીત એવા આ મકાન સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ જે-તે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કડક કાર્યવાહીના અભાવે મકાન ખાલી ન કરાતા ગઈકાલે આ દુર્ઘટના બની હતી. મૃતક પરિવારના અશ્વિનભાઈ જેઠાભાઈ દલવાડી નજીકના રાજડા રોડ વિસ્તારમાં કટલેરીનો વેપાર કરતા હતા. પાંચ પુત્રીઓ પૈકી બીજા નંબરની પુત્રી પાયલ અને તેનાથી નાની પ્રીતિ ઉપરાંત તેમના માતા કેસરબેનના અકાળે અવસાન થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. વિધિની વક્રતા તો એ છે કે પાંચ પુત્રીઓના પિતા અશ્વિનભાઈના ધર્મપત્ની હાલ સગર્ભા હતા અને દુર્ઘટના સ્થળે ઘરમાં જ જતા. પરંતુ તેમને આસપાસના લોકોએ સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. અશ્વિનભાઈને એક મોટાભાઈ પણ છે. તેઓ જાણીતા પ્રોવિઝન સ્ટોરમાં નોકરી કરે છે. અશ્વિનભાઈની મોટી પુત્રીની અગાઉ સગાઈ પણ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. કેસરબેનના પુત્રી કે જે ભિવંડી રહેતા હોય, તેમના આગમન બાદ આજે સાંજે તેઓની સ્મશાનયાત્રા નીકળશે તેમ પણ જાણવા મળ્યું છે. ઉપરોક્ત દુર્ઘટના અંગેની વિધિવત રીતે નોંધ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયા (ઉ.વ. ૪૦) એ અહીંની પોલીસમાં કરાવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર શહેર ઉપરાંત દલવાડી સમાજમાં ભારે સાથે અરેરાટી પ્રસરાવી છે.