ભારતના વડાપ્રધાનની ડીજીટલ ઈન્ડિયાની દિશા સાથે મ્યુનીસીપલ કોર્પોરેશનને કંઈ લાગતું વળગતું નથી તેની પ્રતીતી કરતો બનાવ : અનેકવાર સ્થાનિક તંત્રને, મુખ્યમંત્રીને રજુઆત કરાઈ અને હવે ઉકેલ ન આવે તો વડાપ્રધાનને પણ રજુઆત કરાશે : અમૃત દેસાઈ
જૂનાગઢ શહેરના લોકોની કમનસીબી કહો કે કરમ કઠણાઈ સ્થાનિક કક્ષાએથી જે કામો થવા જાેઈએ એટલે કે જનતાના પાયાના પ્રશ્નો એવા લાઈટ, પાણી, ગટર, રસ્તા સહિતના પ્રશ્નો અંગે સીધુ જ મહાનગરપાલિકાના શાસકો અથવા તો જવાબદાર તંત્રને રજુઆત કરવાથી જ આ પ્રશ્નનો ઉકેલ આવી જવો જાેઈએ પરંતુ જૂનાગઢમાં એમ થતું નથી. લોકોએ તેમજ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યોએ પણ લોકોના પ્રશ્ને જ્યારે જૂનાગઢના જવાબદાર તંત્રને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોય આખરે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ નાનામાં નાની બાબતો માટે રજુઆતો કરવી પડે છે એ શરમજનક બાબત ગણી શકાય. આવું જ મીરાનગરના રહેવાશીઓને પણ થયું છે. આ વિસ્તારના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ અનેકવાર સ્થાનિક તંત્ર તેમજ મુખ્યમંત્રીના કાર્યાલયે પણ રજુઆતો કરવા છતાં મીરાનગરના મેઈન રોડનો પ્રશ્ન હલ થયો નથી અને લોકો અતિ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોની મુશ્કેલીને સમજી અને મીરાનગરના મેઈન રોડના રસ્તાનું કામ તાત્કાલીક અસરથી પૂર્ણ કરાવી અને લોકોને સાચા અર્થમાં આઝાદી અપાવવાની રજુઆત ઉચ્ચ કક્ષાએ કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું અસ્તિત્વ આવ્યાના બે દાયકા કરતા વધારે સમય થયો છે અને સૌથી વધારે શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છ. આ સમયગાળા દરમ્યાન સ્થાનિક કક્ષાએ મનપાનું શાસન ભાજપના હાથમાં ગુજરાતમાં ભાજપની સરકાર અન કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય અને શહેરી વિકાસ અંતર્ગત જૂનાગઢ મનપાને અઢળક નાણાંઓની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં પણ અણઘડ વહિવટના કારણે જૂનાગઢ શહેરના લોકોને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ક્યારેય સુખની સીળી છાયડી પડી નથી. જૂનાગઢ શહેરના રસ્તાઓનો તો આખો ઈતિહાસ રચાયો છે. કોઈ વિસ્તાર એવો નહી હોય કે જ્યાં રસ્તા સારા હય અને પ્રજા હાડમારીનો સામનો કરી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેરના વોર્ડ નં-પમાં આવેલ મીરાનગર મેઈન રોડ સંપૂર્ણ નાશ પામેલ હોય અને આ વિસ્તારના લોકો છેલ્લા ૧૦-૧૦ મહિનાથી રસ્તાના પ્રશ્ને ભારે હાડમારી વેઠી રહ્યા છે. સ્થાનિક કક્ષાએથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆતોનો દોર કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી તેમજ જાગૃત નાગરિક અમૃત દેસાઈએ મુખ્યમંત્રીને વધુ એક પત્ર પાઠવી અને જૂનાગઢ શહેરના મીરાનગરના રહેવાસીઓને રસ્તાની કષ્ટદાયક પીડામાંથી મુક્તિ અપાવવાની માંગણી કરી છે અને આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવામાં નહી આવે તો આખરે વડાપ્રધાનને પણ રજુઆત કરવામાં આવશે તેમ આ પત્રમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં અમૃતભાઈ દેસાઈએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-૫માં આવેલ મીરાનગર મેઈન રોડ સંપૂર્ણ નષ્ટ પામેલ હોય તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા દશ માસ કરતાં પણ વધુ સમયથી પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયને પણ વારંવાર રજૂઆત કરી છે છતાં પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી. વધુમાં આ વિસ્તારમાં બાળકો ને સ્કુલે જવાની મુશ્કેલીને પણ ધ્યાન ઉપર લીધી નથી. સિનિયર સિટીઝન પણ ખુબ પરેશાની ભોગવી રહ્યા છે. રાજ્ય સરકાર સતત વિકાસ અંગે પ્રયત્નશીલ છે તેમજ વિકાસ પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કાદવ કીચડમાંથી પસાર થઈ સ્કુલે જતા બાળ માનસ ઉપર વિપરીત અસર પડી રહી છે. એ વાત પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે અન્યથા માત્ર કાગળ ઉપર થતી ઉજવણીથી વિકાસ ગાથા ગાવાની પધ્ધતિ લોકશાહીના મુલ્યથી વિપરીત છે. વારંવાર રજૂઆત વારંવાર વિનંતી કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે ત્યારે આ છેલ્લા પત્ર દ્વારા વિનમ્ર ભાવે ફરી એક વાર વિનંતિ કરીએ છીએ કે આ રજૂઆતને ધ્યાને લઈને ચોક્કસ પરિણામલક્ષી સમાધાન થાય તો સારૂ. અત્યાર સુધી સીએમ ઓફિસ દ્વારા માત્ર ઈમેલ દ્વારા ફોરવર્ડ કરેલા મેસેજના પ્રત્યુત્તર જ મળ્યા છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈમેલની રજૂઆતનો એક પણ પ્રત્યુત્તર આપ્યો નથી. મતલબ કે વડાપ્રધાનની ડિજીટલ ઇન્ડિયાની દિશા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢને કાંઈ લાગતું વળગતું જ નથી એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આશા વ્યક્ત કરીએ કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર-૫માં મીરાનગર વિસ્તારમાં ચાલતાં રસ્તાના કામમાં ગતિ આવશે અને દશ માસ કરતાં વધુ સમયથી પરેશાની ભોગવી રહેલ પ્રજા આવનાર નવ નવેમ્બર જૂનાગઢ આઝાદ દિવસને દિવસે ગુલામીમાંથી મુક્તિનો આનંદ માણી શકશે. કૃપા કરીને અસહ્ય પીડા ભોગવી રહેલ આ વિસ્તારમાં રહેતા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કાગળ ઉપર નહી પરંતુ પરિણામલક્ષી થશે એજ અપેક્ષા પત્રના અંતે અમૃત દેસાઈ દ્વારા કરાઈ છે.