રાજકોટ એઇમ્સ ખાતે ‘રીસર્ચ મેથડોલોજી’ વિષયક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં  સી.એમ.ઈ માં આરોગ્ય ક્ષેત્રે સંશોધનનું મહત્વ અને તેને વેગવંતુ બનાવવા દેશભરની એઈમ્સના તજજ્ઞોની ચર્ચા

0

રાજકોટ એઇમ્સ ખાતે તબીબી શિક્ષણ અને સંશોધનને સાંકળતા ‘રીસર્ચ મેથડોલોજી’ વિષય પર તા. ૧૭ અને ૧૮ મી ઑક્ટોબરના રોજ બે-દિવસીય રાષ્ટ્રીય કક્ષાની (સી.એમ.ઈ) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સી.એમ.ઈ માં હેલ્થકેર સેક્ટરમાં સંશોધન ક્ષમતાઓને ઉચ્ચ સ્તર પર આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું . સી.એમ.ઈ ઈવેન્ટનું ઉદ્ઘાટન એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. (કર્લ) સીડીએસ કટોચ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી કટોચે આજની ઇવેન્ટનું મહત્વ સમજાવતા આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ માટે સંશોધન પદ્ધતિઓની ભૂમિકા મહત્ત્વની હોવા પર પર ભાર મૂક્યો હતો. આ કોન્ફરન્સમાં નેશનલ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સીસ (NAMS) ના સેક્રેટરી પ્રો. ડૉ. ઉમેશ કપિલે તેમના ચાવીરૂપ વકતવ્યમાં આરોગ્યની ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે નૈતિક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધનની જરૂરિયાત પર પ્રકાશ પાડયો હતો. જયારે એઇમ્સ રાજકોટના ડીન (સંશોધન) પ્રો. ડૉ. (કર્લ) અશ્વિની અગ્રવાલે સી.એમ.ઈ ના ઉદ્દેશ્યો અને હેલ્થકેર પ્રોફેશનલ્સની સંશોધન ક્ષમતાને વધારવામાં તેના યોગદાન અંગે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં મંગલગિરી, નાગપુર, ગોરખપુર, ઋષિકેશ અને રાયપુર એઇમ્સ  જી.આર.આઈ.ડી. કાઉન્સિલ, આઈ.સી.એમ.આર. સહિતની પ્રીમિયર સંસ્થાઓના જાણીતા વક્તાઓ હાજર રહ્યા હતા. આ નિષ્ણાતોએ અદ્યતન સંશોધન પદ્ધતિઓ, ક્લિનિકલ ટ્રાયલ, ડેટા મેનેજમેન્ટ અને બાયોસ્ટેટિસ્ટિક્સની ઉપયોગીતા અંગે તેઓનું તજજ્ઞ જ્ઞાન અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં. સાથોસાથ પ્રભાવક સંશોધન હાથ ધરવા માટે પ્રાયોગિક કૌશલ્યો અંગે ઉપસ્થિત તબીબી રીસર્ચર્સને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની રીસર્ચ મેથોડોલોજી પરિચર્ચામાં ટોચની સંસ્થાઓના નિષ્ણાતોને એક પ્લેટફોર્મ પર લાવી એઈમ્સ રાજકોટના આરોગ્યલક્ષી સંશોધનને વેગ મળશે તેઓ આશાવાદ ડો. કટોચે આ તકે વ્યક્ત કર્યો હતો. સી.એમ.ઈ. માં દેશ વિદેશના ૩૦૦૦ જેટલા સંશોધનાર્થીઓએ ભાગ લીધો હતો.

error: Content is protected !!