પાવાગઢ, સોમનાથ તેમજ દ્વારકાની જેમ રાજ્ય સરકારે રૂ.૧૦ કરોડની માતબર રકમ ફાળવી ઘેલા સોમનાથ મંદિરનો વિકાસ કરાશે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

0

ઘેલા સોમનાથ મંદિરને દ્વારકા અને સોમનાથની જેમ પવિત્ર યાત્રાધામ તેમજ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે અનુસંધાને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ઘેલા સોમનાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી.

        મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી, ટ્રસ્ટના નવાં સભ્યોને આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોને વિકસાવવા રાજ્ય સરકાર પ્રોત્સાહન આપવાની સાથે સાથે આર્થિક સહાય પણ આપે છે ત્યારે ઘેલા સોમનાથના વિકાસ માટે રાજ્ય સરકારે આગળ આવી રૂ.૧૦ કરોડની માતબર રકમની ગ્રાન્ટ મંજુર કરી છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી પ્રસિદ્ધ તીર્થધામ ઘેલા સોમનાથને એક નવી ઓળખ પણ પ્રાપ્ત થશે તેમ જ સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે. આ સાથે સાથે મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગ સાહસિકો સહિત દાતાઓને ઘેલા સોમનાથના વિકાસ માટે આગળ આવી આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી.

        આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે.  પવિત્ર તીર્થધામ ઘેલા સોમનાથનું વિશેષ મહત્વ હોવાથી અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, રાજ્ય સરકારે મંદિરના વિકાસ માટે સહયોગ આપ્યો હોવાથી મંદિરનો વિકાસ કરી વધુ સુવિધા ઉભી કરવામાં આવશે.

        મંદિરના ઉપાધ્યક્ષ અને પ્રાંત અધિકારી શ્રી ગ્રીષ્મા રાઠવાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઘેલા સોમનાથ મંદિર અને ટ્રસ્ટમા થતી વિવિધ કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી આગામી આયોજનની રૂપરેખા આપી હતી.

        ઘેલા સોમનાથ મંદિરના વિકાસ માટે તેમજ જસદણ પંથકના વિકાસમાં સતત એક્ટિવ રહેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનો ટ્રસ્ટના સભ્યોએ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો.

        અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ છે. સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાદેવના દર્શને આવતા હોય, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરતા ઘેલા સોમનાથ મંદિરનો વધુ વિકાસ કરવામાં આવશે જેનાથી આસપાસના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

        આ તકે મંદિરના પુજારી, મામલતદારશ્રી દવે, નાયબ મામલતદાર અને વહીવટદાર હિરેન મકાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!