ગુરૂવારે ખંભાળિયામાં “ખેડૂત સત્યાગ્રહ” નામે ખેડૂત સંમેલન યોજાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે “ખેડૂત સત્યાગ્રહ” સંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ નો પાકવિમો ૭૦ થી ૮૦ ટકા મળવાપાત્ર હતો, તે સરકાર દ્વારા અપાયો ન હોવાથી આ અંગેની પણ માંગ કરાશે. દ્વારકા જિલ્લામાં ગત ચોમાસે નોંધપાત્ર ૨૭૨ ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરાશે આ સંમેલનમાં કરનાર છે. વધુ વિગતો આપતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું છે કે ૧૧ – ૧૧ વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, પણ પરિણામ શૂન્ય છે. આટલા વર્ષોમાં સરકાર એક ગામનો નકશો પણ સુધારી શકી નથી. ત્યારે આ માપણી સંપૂર્ણપણે રદ્દ જ કરવી જાેઈએ તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત છેલ્લા ૭ વર્ષથી કલ્યાણપુર તાલુકાના મહત્વના એવા સાની ડેમના તૂટેલા દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી !! દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વંગળી અને રેટા કાલાવડ ડેમ બનાવવા માટે છેલ્લા ૧૫ વર્ષથી દર ચૂંટણીએ માત્ર ઉદઘાટન થાય છે. પરંતુ નોંધપાત્ર પરિણામની લોકો રાહ જુએ છે. ઉદઘાટન પછી સરકાર જાણે ભૂલી જતી હોય તેમ ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી… જેથી ઉદઘાટનના લોલીપોપથી હવે ખેડૂતો થાકી ગયા છે. આવા મુદ્દે દ્વારકા જિલ્લાના ખેડૂતોના અનેક પ્રશ્ને ગુરૂવાર તા. ૩૦ ના રોજ ખંભાળિયામાં “ખેડૂત સત્યાગ્રહ” સંમેલન યોજાશે. જેમાં જમીન માપણીના પ્રશ્ને આખા ગુજરાતના ખેડૂતો, આગેવાનોને પાલભાઈ આંબલિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ખંભાળિયામાં જામનગર હાઈવે પર આવેલી દલવાડી હોટલ પાસે વાછરાવાવ ખાતે ગુરૂવારે રોજ સવારે ૯ઃ૩૦ વાગ્યે ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. આ સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકિય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. જેમાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી, હેમંત ખવા, વિક્રમ માડમ, પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ખાસ જાેડાશે. સાથે ડાયાભાઈ ગજેરા, રતનસિંહ ડોડીયા, પ્રવીણ પટોડીયા, ભરતસિંહ ઝાલા, ભરતસિંહ વાળા સહિતના ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહેશે તેમ પાલભાઈ આંબલીયાની યાદીમાં જણાવાયું છે.