20,000 આપી હાથ ઊંચા કરી દીધા, અંતે મેનેજરે ફરિયાદ નોંધાવી
ગિરનાર રોપ-વે કેબિનમાં મસ્તીએ ચડેલા 3 પ્રવાસીએ 4.45 લાખનો કાચ તોડી રૂપિયા 20,000 આપી હાથ ઊંચા કરી દેતા અંતે મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ગઈ તારીખ 15 માર્ચના રોજ રાજકોટના વાડોદરિયા પાર્થ કાંતિલાલ, પડારીયા દિશાંત મહેશ અને પાંભર ધ્રુવિન બિપિન નામના પ્રવાસી ગિરનાર રોપ-વેની સફર માણવા આવ્યા હતા. આ દરમિયાન રોપ-વેની કેબીન નંબર 24 માં ગિરનાર ઉપર જતા હતા ત્યારે રસ્તામાં એકબીજા મસ્તીએ ચડી કેબીનની બારીનો કાચ તોડી નાખ્યો હતો. આ અંગેની જાણ થતા ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંગ કુલવંતસિંગ બેદી દોડી ગયા હતા. ત્રણેય પ્રવાસીએ જે કંઈ ખર્ચ થશે તે આપવાની ખાતરી આપી ડિપોઝિટ પેટે રૂપિયા 20,000 આપ્યા હતા. દરમિયાન કાચનો કુલ ખર્ચ રૂપિયા 4,45,431 થતો હોવાનું જણાવતા ત્રણેય યુવકે ‘એટલા રૂપિયા અમે નહીં આપીએ તમારા ફરિયાદ કરવી હોય તો કરી નાખો’ તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. આખરે સોમવારે કુલબીરસિંગ બેદીએ ફરિયાદ કરતા ભવનાથ પોલીસે ગુના નોંધી વધુ તપાસ કોન્સ્ટેબલ પી. બી. અખેડે હાથ ધરી હતી.