ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન તો પ્રભાવિત થાય જ છે. સાથેસાથે ઉનાળાની ધગધગતા ભઠ્ઠા જેવી ગરમીથી અબોલ પશુ-પક્ષી પણ ત્રસ્ત હોય છે. આથી, પશુપાલકો, ખેડૂતો સહિત નાગરિકોએ અબોલ જીવોની વિશેષ તકેદારી રાખવી જોઈએ. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને પશુ-પક્ષીને રક્ષણ આપી શકાય, તે અર્થે સામાન્ય માર્ગદર્શિકા નીચે મુજબ છે.
પશુધન માટે માર્ગદર્શિકા
ગરમીના લીધે પશુઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો
- સુસ્ત થઈને પડ્યા રહેવું, સુકું નાક, નબળાઈ, ધ્રુજારી, લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફુલી જવુ.
- ઓછું હલનચલન, હાવભાવમાં ફેરફાર, વધુ પાણી પીવું, ભૂખ ન લાગવી.
- હાંફવું, જીભ બહાર કાઢીને ઝડપથી હાંફવું.
- સતત છાંયડો શોધવો, પાણીનાં સ્ત્રોત પર લાંબા સમય સુધી પડ્યા રહેવું.
- દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો.
ગરમીથી પશુઓને બચાવવાના ઉપાયો
- ગરમીના કલાકો એટલે કે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૦૪ વાગ્યા સુધી પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પૂરતી હવા-ઉજાસવાળી જગ્યાએ રાખવા જોઈએ.
- બપોરના સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ.
- યોગ્ય હવા-ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
- દિવસે તડકો હોય તો પશુઓનાં શેડમાં શણના ભીના કોથળા બાંધવા જોઈએ. ડાંગરની પરાળી વગેરેથી છત / છાપરા ઢાંકવા, છતને સફેદ રંગથી રંગવી જોઈએ.
- પશુઓના પીવાના પાણીના હવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
- પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, ઠંડકના કલાકો દરમિયાન એટલે કે વહેલી સવારે કે સાંજે સ્નાન કરાવવું જોઈએ.
- ગરમીના કલાકો દરમિયાન પશુઓનું પરિવહન કરવાનું ટાળવું, ચરાવવાનો સમય વહેલી સવારે કે સાંજના સમયે નિયત કરવો જોઈએ.
- લીલાચારાની સાથે, પશુઓને ઉચ્ચગુણવત્તાવાળો ખોરાક મળી રહે તે મુજબ ખાણ-દાણ અને પૂરક આહારનો સમાવેશ કરવો અને ખોરાકની ગુણવત્તા વધારતા તત્વો (Feed additives) ઉમેરવા જોઈએ.
- નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી અને ગરમીના લક્ષણો માટે નિયમિત દેખરેખ રાખવી. સ્થાનિક ગ્રીષ્મ લહેર બાબતની આગાહી પરત્વે ધ્યાન આપવું.
- પશુઓમાં ગરમીના લક્ષણો દેખાય તો ઝડપથી છાંયાવાળા ઠંડા સ્થળોએ સ્થળાંતરિત કરવા જોઈએ. જો પશુની સ્થિતિમાં સુધારો ન થાય તો નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રની મદદ લેવી હિતાવહ છે.
પક્ષીઓ માટે માર્ગદર્શિકા
ગરમીના લીધે પક્ષીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો
- પક્ષીઓ પાંખો ફેલાવીને રાખે, હાંફ ચઢવી.
ગરમીથી પક્ષીઓને બચાવવાના ઉપાયો
- ઘરની આસપાસ પાણીનાં કુંડાઓ મૂકીને અનેક પક્ષીઓનાં જીવ બચાવી શકાય છે. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે.
- માતા-પિતા બાળકો સાથે મળીને પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય શકે છે. આવી સહભાગીતા બાળકોમાં જીવદયા, કરૂણા અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતાનું બીજ રોપી શકે છે, પાણીની સાથે ચણ મુકવું જોઈએ.
- ઘરમાં, અગાશી પર કે બારણાંની બારી પાસે નાનકડુ પાણીનું કૂંડું મૂકવું જોઈએ. જેથી, પક્ષીઓ તેમના નિવાસ્થાને આવીને પાણી પીને કાળઝાળ ગરમીમાં રાહત મેળવે. દરરોજ કુંડાનું પાણી બદલો. પાણી પીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવ સાંભળવું અને તેમને મદદરૂપ થવું એ આનંદ આપે છે.