જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજની વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. જિલ્લાના સરપંચો અને ઉપસરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) નીતિન સાંગવાન સામે મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો મૂક્યા છે. ડીડીઓએ સરપંચો પાસેથી ડેડસ્ટોક માલસામાનની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો. આ ર્નિણયનો જિલ્લા સરપંચ યુનિયને સખત વિરોધ કર્યો છે. સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશ ખટારીયાએ જણાવ્યું કે આવા ર્નિણયો વિકાસકાર્યોને અવરોધે છે. સરપંચોએ કરેલા મુખ્ય આક્ષેપો મુજબ, તેમને મનરેગા અને અન્ય વિકાસ કાર્યોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા મંજૂર થયેલા પાંચ લાખ રૂપિયાના કામો ડીડીઓ દ્વારા એકત્રિત કરી ટેન્ડર પ્રક્રિયામાં મૂકવામાં આવે છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષથી મનરેગા યોજના હેઠળના કામો બંધ છે. આના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી નથી. તાલુકા અને જિલ્લા સ્તરે સરપંચોની ભૂમિકાને નકારવામાં આવી રહી છે. સરપંચ યુનિયનના પ્રમુખે ચેતવણી આપી છે કે જાે આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ૧ મેના રોજ જિલ્લા પંચાયત સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ડીડીઓની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને મામલો રાજ્ય સ્તર સુધી લઈ જવામાં આવશે. રાજ્ય સરકાર પંચાયતી રાજવ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. સરપંચોએ માંગ કરી છે કે તેમની અરજી ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. જેથી ગ્રામ્ય વિકાસના કામો ફરી શરૂ થાય અને લોકશાહી સંસ્થાઓમાં વિશ્વાસ જળવાઈ રહે તેમ જણાવેલ હતું.