ખંભાળીયા - પોરબંદર હાઈવે પર ભાડથર નજીક ટ્રક સાથે પેટ્રોલ ટેન્કર અથડાયું

ખંભાળીયા - પોરબંદર હાઈવે પર ભાડથર નજીક ટ્રક સાથે પેટ્રોલ ટેન્કર અથડાયું

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.23
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોરબંદર હાઇવે રોડ પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે પેટ્રોલ ભરેલ ટેન્કર રોડ વચ્ચે અચાનક પશુ આવી જતાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સાથે અથડાઈ રોડ વચ્ચે જ પલટી મારી ગયું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં પેટ્રોલ લીકેજ થતાં હાઈવે પર પેટ્રોલ ફેલાઈ ગયું હતું જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે હાઈવે પરનો વાહનવ્યવ્હાર બંધ કરાવ્યો હતો. આ સાથે ફાયર વિભાગની બે ગાડીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પેટ્રોલ લીકેજને કાબૂમાં લેવા તેમજ આગની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલ લીકેજને કારણે દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરને સુરક્ષિત રીતે ખસેડવા ભારે મુશ્કેલી સર્જાતા ખંભાળીયા પોરબંદર હાઈવે કલાકો સુધી સંપૂર્ણપણે બંધ રહેતા બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને 11 કલાકની જહેમત બાદ પેટ્રોલનું લીકેજ અટકાવી બંને વાહનોને હટાવી લેવામાં આવતા હાઈવે પરનો ટ્રાફીક પૂર્વવત થયો હતો.