ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનમાં કોબ્રા સાપ પ્રવેશતા કર્મચારીઓમાં ભય, મોટી દુર્ઘટના ટળી

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનમાં કોબ્રા સાપ પ્રવેશતા કર્મચારીઓમાં ભય, મોટી દુર્ઘટના ટળી

વેરાવળ તા.ર૩
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભવનમાં આજે અચાનક કોબ્રા સાપ આવી ચડતા સમગ્ર ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી. રોજબરોજની જેમ કર્મચારીઓ અને અરજદારોની અવરજવર ચાલી રહી હતી, તે દરમિયાન ભવનના આરોગ્ય વિભાગ તરફના પાછળના ભાગેથી કોબ્રા અંદર પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાપ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચીને ફેણ ચડાવીને ઊભો રહ્યો, જેથી પસાર થતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. કેટલાક કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી ગયા તો કેટલાકે અન્યને ચેતવણી આપીને દૂર રાખ્યા હતા. ભવનની અંદર ઝેરી અને ખતરનાક સાપ જોવા મળતા કર્મચારીઓમાં દહેશત ફેલાઈ હતી. જો કે, આ સંજોગોમાં અમુક હિંમતવાન કર્મચારીઓએ પરિસ્થિતિ સંભાળી, લાકડીની મદદથી કોઈને ઇજા ન થાય તે રીતે કોબ્રાને બહાર ખસેડ્યો. બાદમાં સાપ ભવનની બહાર આવેલા જાળી અને ઝાંખરા વિસ્તારમાં ચાલ્યો જતા સૌએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિક જાણકારો મુજબ, જિલ્લા પંચાયત ભવનના વિશાળ પરિસરમાં અનેક અવાવરાં અને ઝાંખરા ભરેલા વિસ્તારો હોવાથી સાપ, વાંદરા જેવા જીવજંતુઓનો વસવાટ જોવા મળે છે. ચોમાસા કે ઉનાળાના સમયગાળામાં આવા જીવજંતુઓ ઈમારતોની નજીક આવી ચડવાની ઘટનાઓ વધતી હોવાનું પણ જણાવાયું છે. મહત્વનું એ છે કે જિલ્લા પંચાયત ભવનમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો અને અધિકારી-કર્મચારીઓની આવનજાવન રહે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાત, તો ગંભીર પરિણામો આવી શકતા. સદનસીબે સમયસર સમજદારી અને હિંમતના કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટનાને પગલે કર્મચારીઓ અને નાગરિકોમાંથી ભવન પરિસરમાં નિયમિત સફાઈ, ઝાંખરા દૂર કરવા, તેમજ વન વિભાગ અથવા સ્નેક રેસ્ક્યુ ટીમની તૈયારીઓ રાખવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓથી બચી શકાય.