પોરબંદરમાં પાંચ માથાભારે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી
(પ્રતિનિધી દ્વારા)
ગોસા (ઘેડ), તા.ર૦
પોરબંદર જિલ્લામાં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા માથાભારે અને અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા પાસા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પોલીસની દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઇશ્યુ કરતાં પાંચ શખ્સોની અટકાયત કરી તેમને અમદાવાદ, વડોદરા તથા સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોરબંદર જિલ્લામાં આવારા તથા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.
કિર્તીમંદિર તથા કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી, શરીર સંબંધિત ગુનાઓ તથા ધાકધમકી સહિતની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અજીમ યુનુસભાઈ કાદરી (ઉં.વ. ૩૩), ઇમ્તિજયાઝ હારૂન સીપાઈ (ઉં.વ. ૩૬), શકીલ યુનુસભાઈ કાદરી (ઉં.વ. ૨૮), સમીર યુનુસ કાદરી (ઉં.વ. ૩૧) તથા યુનુસ એહમદઅલી કાદરી (ઉં.વ. ૫૫)નો સમાવેશ થાય છે.


