ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં જૂનાગઢ જીલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની કેદ અને રૂા. 1000નો દંડ

કિરીટ પટેલને એક વર્ષની કેદ અને રૂા. 1000નો દંડ

ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં જૂનાગઢ જીલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની કેદ અને રૂા. 1000નો દંડ

જૂનાગઢ તા.22
વિજ ઈજનેરને ગેરશબ્દો કહી ફરજમાં રૂકાવટ કરવા અંગેનાં કેસમાં જૂનાગઢ જીલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની તેમજ ઈજનેરને થપ્પડ મારી દેનાર શખ્સને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં વેકરીયા અને પાતાપુરનાં ખેડૂતોએ ગત તા.16-5-2017નાં આઝાદ ચોક જૂનાગઢ ખાતે આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે આવી જુનીયર ઈજનેર હસમુખભાઈ વલ્લભભાઈ સાવલીયા ખોટા ચેકીંગ કરી મોટી રકમનાં બીલ બનાવતા હોવાની રજુઆતો કરી હતી. ખેડૂતો સાથે તત્કાલીન જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પણ હાજર હતાં. ખેડુતો રજુઆત કરી રહયા હતાં ત્યારે પાતાપુરનાં દિલાવર બાબુ ધંધુકીયાએ જુનીયર ઈજનેર હસમુખભાઈને થપ્પડ મારી ધમકી આપી હતી. ત્યારે તત્કાલીન જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જુનીયર ઈજનેરને ગેરશબ્દો કહયા હતાં. અને આ બનાવને લઈને જે તે વખતે ભારે ચકચાર જાગી ઉઠી હતી. દરમ્યાન આ બનાવ અંગે જુનીયર ઈજનેર હસમુખભાઈ સાવલીયાએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ફરજમાં રૂકાવટ સહીતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ઉપરોકત કેસ અધિક ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ.કે. ભટ્ટ સમક્ષ ચાલી જતાં તેઓએ સરકારી વકીલ ડો. કે.ડી. કારીયાની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ દિલાવર બાબુ ધંધુકીયાને બે વર્ષની સજા અને એક હજાર દંડ તેમજ પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ બાલુભાઈ પટેલને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.1 હજારનો દંડ ફટકારેલ છે. અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ જારી કરવામાં આવેલ છે.