બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં ૩૩૧ કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી
૧૯મી ઓગસ્ટ ૨૦૨૪ થી ૧૬મી એપ્રિલ-૨૫ વચ્ચેના સમયગાળામાં ડ્રાઇવરના બેન્ક ખાતામાં ૩૩૧.૩૬ કરોડ રૂપિયા જમા થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન OneXbet સંબંધિત એક મોટા મની લોન્ડરિંગ કેસનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીમાં એક સામાન્ય બાઇક ટેક્સી ડ્રાઇવરના બેન્ક ખાતામાં માત્ર આઠ મહિનાના ગાળામાં ૩૩૧.૩૬ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હોવાનું બહાર આવતાં ED ચોંકી ઉઠી છે, અને આ કેસના તાર ઉદયપુર અને ગુજરાતના એક યુવા નેતાના વૈભવી લગ્ન સુધી પહોંચ્યા છે.
ED ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજીના મની લોન્ડરિંગની તપાસ કરી રહી હતી. કરોડો રૂપિયાના મની ટ્રેલની તપાસ કરતાં અધિકારીઓ દિલ્હીની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક સામાન્ય બાઇક ટેક્સી ડ્રાઇવરના ઘરે પહોંચ્યા હતા.૧૯મી ઓગસ્ટ ૨૦૨૪ થી ૧૬મી એપ્રિલ ૨૦૨૫ વચ્ચેના સમયગાળામાં ડ્રાઇવરના બેન્ક ખાતામાં ૩૩૧.૩૬ કરોડ રૂપિયા જમા થયા હતા.
પૂછપરછમાં ડ્રાઇવરે જણાવ્યું કે તે આ બેન્ક વ્યવહારોથી સંપૂર્ણપણે અજાણ છે અને તે પોતાનો મોટાભાગનો સમય જીવનનિર્વાહ માટે બાઈક ટેક્સી ચલાવવામાં વિતાવે છે. ઈડીએ તુરંત નિષ્કર્ષ કાઢ્યો કે આ ગેરકાયદે ભંડોળ છુપાવવા માટે મ્યૂલ ખાતાનો ઉપયોગ કરવાનો ક્લાસિક કેસ છે.
ઈડીની તપાસમાં આ મની લોન્ડરિંગના તાર ગુજરાતના એક યુવા નેતાના ભવ્ય લગ્ન સાથે જાેડાયા છે, જેના કારણે તપાસનો ધમધમાટ હવે ગુજરાત સુધી લંબાયો છે. ૩૩૧ કરોડ રૂપિયાથી વધુની ડિપોઝિટમાંથી ઉદયપુરની એક વૈભવી હોટલમાં યોજાયેલા ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગમાં ૧ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ લગ્ન ગુજરાતના એક યુવા નેતા સાથે જાેડાયેલા છે, જેને ટૂંક સમયમાં ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. ડ્રાઇવરે પૂછપરછમાં સ્પષ્ટતા કરી કે તે વર કે કન્યા અથવા તેમના પરિવારોને ઓળખતો નહોતો, જેમના લગ્ન માટે આ ભંડોળનો ઉપયોગ થયો હતો.
ઈડીને શંકા છે કે ડ્રાઈવરનું બેન્ક ખાતું ગેરકાયદે ભંડોળ લોન્ડર કરવા માટેનું મ્યૂલ પ્લેટફોર્મ હતું. આ ખાતામાં અનેક અજાણ્યા સોર્સમાંથી મોટી રકમ જમા થઈ હતી અને ઝડપથી અન્ય શંકાસ્પદ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ભંડોળનો એક મુખ્ય સોર્સ ગેરકાયદે જુગાર સાથે જાેડાયેલો હતો.
મ્યૂલ એકાઉન્ટ્સનો ઉપયોગ ફાઇનાન્શિયલ ક્રાઇમ દ્વારા મેળવેલા ગેરકાયદે ભંડોળને લોન્ડર કરવા માટે થાય છે. આ એકાઉન્ટ્સ નકલી અથવા ભાડે રાખેલા KYC ઓળખપત્રોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જ્યાં કોઈ વ્યક્તિ કમિશનના બદલામાં તેનું બેન્ક એકાઉન્ટ ગુનેગારોને વાપરવા માટે આપે છે, અને વાસ્તવિક માલિકને વ્યવહારોની જાણ હોતી નથી.
ઉલ્લેખનીય છે કે, EDએ તાજેતરમાં OneXbet તપાસના ભાગ રૂપે પૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈના સહિત ઘણાં અન્ય ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી હતી અને કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.


