અક્ષય કુમારની સાય-ફાય ફિલ્મ ‘સમુક’માં ઋકમણિ મૈત્રની એન્ટ્રી, યુકેમાં ચાલી રહ્યું છે શૂટિંગ

વિપુલ અમૃતલાલ શાહ સાથે ૧૨ વર્ષ બાદ ફરી કામ કરી રહ્યો છે અક્ષય કુમાર; મોટા બજેટની ફિલ્મને ૨૦૨૭માં થિયેટર્સમાં રિલીઝ કરવાની તૈયારી

અક્ષય કુમારની સાય-ફાય ફિલ્મ ‘સમુક’માં ઋકમણિ મૈત્રની એન્ટ્રી, યુકેમાં ચાલી રહ્યું છે શૂટિંગ

મુંબઈ, તા.૩
અક્ષય કુમારની આગામી સાય-ફાય ફિલ્મ ‘સમુક’ને લઈને નવી માહિતી સામે આવી છે. ફિલ્મનું શૂટિંગ હાલ યુકેમાં ચાલી રહ્યું છે અને હવે તેની સ્ટારકાસ્ટમાં બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્ર જોડાઈ રહી હોવાના અહેવાલ છે. ઋકમણિ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે.
ઋકમણિ મૈત્ર અગાઉ વિદ્યુત જામવાલ સ્ટારર ‘સનક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. ત્યારબાદ તે ‘ક્રેક’ ફિલ્મમાં પણ નાની ભૂમિકામાં જોવા મળી હતી. બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે ‘સમુક’ જેવા મોટા પ્રોજેક્ટ સાથે તેનું નામ જોડાતાં ફરી એકવાર તેની બોલિવૂડ કારકિર્દીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
‘સમુક’ સાથે અક્ષય કુમાર અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની જોડી પણ લાંબા સમય બાદ ફરી સાથે આવી રહી છે. બંનેએ છેલ્લે વર્ષ ૨૦૧૪માં આવેલી ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યૂટી’માં સાથે કામ કર્યું હતું. હવે લગભગ ૧૨ વર્ષ બાદ તેઓ નવા પ્રોજેક્ટ માટે ફરી એકસાથે કામ કરી રહ્યા છે.
ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી કનિષ્ક વર્મા સંભાળી રહ્યા છે. અહેવાલ મુજબ ‘સમુક’ પર છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું છે અને તેને મોટા બજેટની સાય-ફાય ફિલ્મ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.
હાલ યુકેમાં ફિલ્મનું શૂટિંગ આગળ વધી રહ્યું છે. ‘સમુક’ને વર્ષ ૨૦૨૭માં થિયેટર્સમાં રિલીઝ કરવાની યોજના હોવાનું જણાવાયું છે. જોકે, ઋકમણિ મૈત્રની કાસ્ટિંગ સહિત ફિલ્મની અન્ય વિગતો અંગે મેકર્સ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.